Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 કરિંથીઓ 4 - પવિત્ર બાઈબલ


માટીની બરણીઓમાં આધ્યાત્મિક ખજાનો

1 દેવે આપણને તેની દયાથી અમને આ કામ સોંપ્યું છે. તેથી અમે તેને છોડી દેતા નથી.

2 પરંતુ અમે રહસ્યમય અને લજજાસ્પદ રીતોથી વિમુખ થયા છીએ. અમે કાવતરાંનો ઉપયોગ કરતા નથી, અને દેવના ઉપદેશમાં કશો ફેરફાર કરતા નથી. ના! અમે ફક્ત સત્યનો જ સ્પષ્ટતાથી ઉપદેશ કરીએ છીએ. અને આ રીતે અમે કોણ છીએ તે લોકોને દર્શાવીએ છીએ અને આ રીતે તેઓના હૃદયમાં તેઓ જાણે કે દેવ સમક્ષ અમે કેવા લોકો છીએ.

3 સુવાર્તા જે અમે પ્રગટ કરીએ છીએ તે કદાચ ગૂઢ હોઈ શકે. પરંતુ જે લોકો ભટકી ગયા છે તેમને માટે જ તે ગૂઢ છે.

4 આ જગત (શેતાન) ના શાસકે જેઓ વિશ્વાસુ નથી તેઓનાં માનસને અંધ કરી દીધાં છે. તેઓ સુવાર્તાના પ્રકાશ (સત્ય) ને જોઈ શકતા નથી; એ સુવાર્તા જે ખ્રિસ્તના મહિમા વિષે છે. ખ્રિસ્ત એ એક છે, જે આબેહૂબ દેવ સમાન છે.

5 અમે અમારા વિષે ઉપદેશ નથી આપતા. પરંતુ અમે ઉપદેશ આપીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત તે પ્રભુ છે; અને અમે ઉપદેશ આપીએ છીએ કે ખ્રિસ્ત થકી અમે તમારા સેવકો છીએ.

6 દેવે એકવાર કહ્યું હતું, “અંધકારમાં જ્યોતિ પ્રગટશે!” અને આ એ જ દેવ છે જેનો પ્રકાશ આપણા હૃદયમાં ચમકે છે. ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તે વિષેના જ્ઞાનનું આપણને પ્રદાન કરીને દેવે આપણને આ જ્યોતિનું અનુદાન કર્યુ છે.

7 આ ખજાનો અમને દેવ તરફથી મળ્યો છે. પરંતુ અમે તો માત્ર માટીનાં પાત્રો જેવા છીએ જે આ ખજાનાને ગ્રહણ કરે છે. આ બતાવે છે કે આ પરાક્રમની અધિકતા દેવ અર્પિત છે, અમારી નથી.

8 અમે ચારેબાજુ મુશ્કેલીઓથી ઘેરાયેલા છીએ. પરંતુ અમે હાર્યા નથી. ધણીવાર શું કરવું તે અમે જાણતા નથી. પરંતુ અમે હતાશ થતા નથી.

9 ધણીવાર અમે પીડિત થયા છીએ, પરંતુ દેવે અમારો ત્યાગ નથી કર્યો. ધણીવાર અમે ધવાયા છીએ પરંતુ અમારો સર્વનાશ નથી થયો.

10 અમારા શરીરમાં ઈસુનું મરણ છે. અમે આ મરણ સદા ઊંચકીને ફરીએ છીએ કે જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રતિબિંબિત થાય.

11 અમે જીવિત છીએ, પરંતુ ઈસુ માટે હંમેશા અમે મરણનો સામને કરીએ છીએ. અમારી સાથે આમ થયું કે જેથી અમારા ક્ષણભંગુર શરીરમાં ઈસુનું જીવન પ્રતિબિંબિત થાય.

12 મરણ અમારામાં કાર્યશીલ છે. પરંતુ જીવન તમારામાં કાર્યશીલ છે.

13 શાસ્ત્રલેખમાં લખ્યું છે કે, “હું બોલું છું, કારણ કે મને વિશ્વાસ છે.” અમારી પાસે પણ વિશ્વાસનો આત્મા છે તેથી અમે બોલીએ છીએ.

14 દેવે પ્રભુ ઈસુને મરણમાંથી ઊઠાડયો અને અમે જાણીએ છીએ કે દેવ અમને પણ ઈસુની સાથે ઊઠાડશે. દેવ અમને તમારી સાથે ભેગા કરશે, અને આપણે તેની સમક્ષ ઉપસ્થિત થઈશું.

15 આ બધી વસ્તુ તમારા માટે છે અને તેથી દેવની કૃપા વધુ ને વધુ લોકોને આપવામાં આવી છે. આ વાત દેવના મહિમાને અર્થે વધુ ને વધુ આભારસ્તુતિ કરાવશે.


વિશ્વાસથી જીવવું

16 તેથી અમે ક્યારેય પણ નિર્બળ થતા નથી. અમારો ભૌતિક દેહ વધારે વૃદ્ધ અને દુર્બળ થાય છે. પરંતુ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે.

17 થોડા સમય માટે અત્યારે અમને સામાન્ય વિપત્તિઓ છે, પરંતુ આ વિપત્તિઓ અનંત મહિમા સદાય માટે પ્રાપ્ત કરવામાં અમને મદદરૂપ થાય છે. આ અનંત મહિમા મુશ્કેલીઓ કરતાં વધારે ઉન્નત છે.

18 અમે તે વસ્તુનો વિચાર કરીએ છીએ જે જોઈ શકાતી નથી જે વસ્તુ અમે જોઈએ છીએ તે ક્ષાણિક છે. અને જે વસ્તુ અમે જોઈ શકતા નથી તેનું સાતત્ય અનંત છે.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan