૨ કાળવૃત્તાંત 4 - પવિત્ર બાઈબલહૂરામનું કાર્ય અને મંદિર માટેની સામગ્રી 1 ત્યારબાદ તેણે કાંસામાંથી 20 હાથ લાંબી, 20 હાથ પહોળી અને 10 હાથ ઊંચી વેદી બનાવડાવી. 2 તેણે ઢાળેલી ધાતુનો હોજ પણ કરાવ્યો. એનો આકાર ગોળ હતો, અને તેનો વ્યાસ 10 હાથ હતો. એ 5 હાથ ઊંચો હતો અને તેનો પરિઘ 30 હાથનો હતો. 3 એ હોજની ફરતે બહારની બાજુએ બળદના પૂતાળાની બે હારમાળા હતી, દરેક તેના પરિઘમાં દસ હાથ ગોળ હતી. જે હોજની સાથે જ ઢાળેલી હતી. 4 એ હોજ બાર બળદની પ્રતિમા ઉપર ગોઠવેલો હતો. ત્રણના મોંઢા ઉત્તર તરફ અને ત્રણના મોંઢા પૂર્વ અને ત્રણના મોંઢા પશ્ચિમ અને ત્રણના મોંઢા દક્ષિણ તરફ હતા. તેમની પૂછડીઓ અંદરના ભાગમાં હતી. હોજ એ બળદો પર બેસાડેલો હતો. 5 એની જાડાઇ ત્રણ ઇંચ હતી. અને તેનો આકાર ખીલેલાં કમળ જેવો હતો. તેમાં 17,500 ગેલન પાણી સમાતું હતું. 6 એ કુંડ યાજકોને હાથપગ ધોવા માટે કરાવ્યો હતો. તેણે દહનાર્પણના પશુને ધોવા માટે દસ કૂંડીઓ કરાવી અને પાંચ ડાબી બાજુએ અને પાંચ જમણી બાજુએ મૂકાવી. 7 સુલેમાને, આ દીપવૃક્ષ માટે બનાવેલી યોજના અનુસાર, સોનાનાં દશ દીપવૃક્ષ બનાવ્યાં; અને પછી તેણે આ દીપવૃક્ષો મંદિરમાં અંદર મૂકાવ્યાં; પાંચ જમણી તરફ અને પાંચ ડાબી તરફ. 8 સુલેમાને 10 મેજ બનાવીને મંદિરમાં મૂકાવ્યાં. એણે મંદિરમાં 5 મેજ જમણી બાજુએ અને 5 મેજ ડાબી બાજુએ મૂક્યા. વળી તેણે સોનાના 100 કટોરા બનાવ્યાં. 9 તેણે યાજકો માટે અલગ ચોક કરાવ્યો, એણે સામાન્ય લોકો માટે એક મોટું પ્રાંગણ બનાવ્યું. તેના દરવાજા ત્રાંબાથી મઢેલા હતાં. 10 યાજકો માટેનો મોટો કાંસાનો હોજ મંદિરના બહારના ભાગમાં અગ્નિ ખૂણામાં મૂકવામાં આવ્યો હતો. 11 હૂરામે કૂંડા, પાવડા અને ડોયા પણ બનાવ્યાં. આ રીતે તેણે દેવના મંદિરમાં રાજા સુલેમાન તરફથી માથે લીધેલું મંદિરનું બધું કામ પૂરું કર્યું. 12 એટલે બે સ્તંભો, વાટકા તથા સ્તંભોની ટોચો ઉપર બે કળશ, તથા સ્તંભોની ટોચો ઉપરના કળશોને ઢાંકવા સારુ બે જાળીઓ, 13 અને એ બે જાળીને માટે 400 દાડમ; એટલે સ્તંભો ઉપરના કળશોને ઢાંકનાર દરેક જાળીને માટે દાડમની બબ્બે હારો બનાવી. 14 તેણે ઘોડીઓ બનાવી અને તેના ઉપર કટોરાઓ મૂક્યાં. 15 એક કુંડ અને એને જેના પર મૂક્યો હતો એ બાર બળદો. 16 રાખ માટેના કૂંડા, પાવડીઓ અને ચીપિયા. 17 આ બધી વસ્તુઓ, મુખ્ય કારીગર હૂરામે, યહોવાના મંદિર માટે, રાજા સુલેમાન તરફથી અપાયેલા કાંસામાંથી બનાવી. આ બધું તેણે સુકકોથ અને સરેદાહની વચ્ચેની યર્દન નદીની ખીણમાં માટીનાં બીબા વાપરીને બનાવ્યું હતું. 18 સુલેમાને એ વસ્તુઓ મોટા જથ્થામાં બનાવી, અને એમાં વપરાયેલા કાંસાના વજનનો કોઇ હિસાબ નહોતો. 19 તદુપરાંત સુલેમાને દેવના મંદિર માટે બીજા સાધનો પણ બનાવડાવ્યાં; સોનાની વેદી, અને રોટલી ધરાવવાનો સોનાનો બાજઠ. 20 યજ્ઞવેદી આગળ મૂકવા માટેનું દીપવૃક્ષ જેનાં શુદ્ધ સોનામાંથી બનાવેલી દીવીઓમાં અખંડ જ્યોત બળતી હોય. 21 શુદ્ધ સોનાનાં ફૂલ, કોડિયાં, ચીપિયા, 22 દીપવૃક્ષો સાફ કરવાની કાતરો, કટોરાઓ, ચમચા અને સગડીઓ-આ સર્વ શુદ્ધ સોનાનાં બનાવ્યાં. તેમજ મંદિરના સર્વ દરવાજા સોનાથી મઢવામાં આવ્યા. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International