Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 25 - પવિત્ર બાઈબલ


રાજા અમાસ્યાનો અમલ અને મૂર્તિપૂજા

1 અમાસ્યા ગાદી પર આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. તેણે યરૂશાલેમમાં ઓગણત્રીસ વર્ષ રાજ કર્યુ. તેની માતાનું નામ યહોઆદાન હતું અને તે યરૂશાલેમની હતી.

2 તેણે યહોવાની ષ્ટિએ જે યોગ્ય હતું તે કર્યું. પણ હંમેશા તે પૂરા હૃદયથી તેમ કરતો ન હતો.

3 રાજા તરીકે તે સ્થિર થયો ત્યારે તેણે પોતાના પિતાના ખૂનીઓને મારી નાખ્યા.

4 જો કે તેણે તેઓનાં બાળકોને મારી નાખ્યા નહિ, મૂસાના નિયમમાં લખેલી દેવની આજ્ઞાને તે આધીન થયો, “બાળકોના પાપોને કારણે પિતા માર્યા ન જાય, અને પિતાના પાપોને કારણે બાળકો માર્યા ન જાય, પ્રત્યેક પોતાનાં પાપની શિક્ષા ભોગવે છે.”

5 ત્યારબાદ અમાસ્યાએ રાજ્યના બધા લોકોને- યહૂદાના તેમજ બિન્યામીનના વંશના લોકોને ભેગા કર્યા, અને તેમને કુટુંબવાર હજાર હજારના અને સો સોના નાયકો નીચે ગોઠવી દીધા. 20 વરસના અને તેની ઉપરનાની તેણે ગણતરી કરી તો 3,00,000 ચુનંદા યોદ્ધાઓ થયા. તેઓ બધા ઢાલ અને ભાલાથી યુદ્ધ કરવાને સજ્જ હતા.

6 એ પછી તેણે ઇસ્રાએલમાંથી 1,00,000 શૂરવીરોને 3,400 કિલો ચાંદી આપવાની કહીને ભાડે રાખ્યા.

7 પણ એવામાં એક દેવના માણસે આવીને તેને કહ્યું, “મહારાજ, ઇસ્રાએલી સૈનાને તમારી સાથે આવવા ન દેશો, કારણ એ એફ્રાઇમીઓ સાથે યહોવા નથી.

8 એ લોકો જો તમારી સાથે આવશે, તો તમે ગમે તેટલી ધીરતાપૂર્વક લડશો, તો પણ દેવ તમને દુશ્મનો આગળ પરાજય અપાવશે. કારણ, જયપરાજય આપવો એ એના હાથની વાત છે.”

9 અમાસ્યાએ કહ્યું, “પણ મેં જે ચાંદી આપી છે તેનું શું?” દેવના માણસે ઉત્તર આપ્યો, “યહોવા તને એથી પણ વિશેષ આપવાને સમર્થ છે.”

10 આથી અમાસ્યાએ એફ્રાઇમમાંથી જે સૈનિકો આવ્યા હતા તેમને જુદા પાડીને ઘેર પાછા મોકલી દીધા. એ લોકો યહૂદા પર ભારે રોષે ભરાયા અને ધૂંધવાતા ધૂંધવાતા ઘેર ગયા.

11 ત્યારપછી અમાસ્યા પોતાના સૈન્યને હિંમતપૂર્વક મીઠાની ખીણમાં લઇ ગયો અને ત્યાં તેણે અદોમના 10,000 માણસોને કાપી નાખ્યા.

12 યહૂદાના માણસોએ બીજા 10,000ને જીવતા કેદ પકડ્યા અને તેમને ખડકની ટોચે લાવી ત્યાંથી હડસેલી મૂક્યા. આથી તેમના બધાના ટુકડે ટુકડા થઇ ગયા. નીચેની ખડકો ઉપર પછડાઇને તેઓ મૃત્યુ પામ્યા.

13 આ દરમ્યાન ઇસ્રાએલના જે સૈન્યને ઘેર મોકલી દીધું હતું, તેઓએ બેથ-હોરોનથી સમરૂન સુધીના યહૂદાના શહેરોમાં લૂંટ ચલાવી. તેઓ 3,000 માણસોને મારી નાખીને, મોટી લૂંટ એકત્ર કરીને ચાલ્યા ગયા.

14 અદોમીઓને હરાવીને અમાસ્યા પાછો આવ્યો અને જે અદોમીઓના પૂતળાં સાથે લઇ આવ્યો હતો, તેની તેણે પોતાના દેવો તરીકે સ્થાપના કરી, પછી તેણે તેની પૂજા કરવાનું અને તેમની સામે ધૂપ બાળવાનું શરૂ કર્યું.

15 આથી યહોવા તેના ઉપર ખૂબ કોપાયમાન થયા અને તેમણે એક પ્રબોધકને તેની પાસે મોકલ્યો. તેણે અમાસ્યાને કહ્યું, “તમે એ લોકોના દેવો પાસેથી સલાહ શા માટે લીધી જે દેવો પોતાના માણસોને પણ તમારા હાથમાંથી બચાવી શક્યા નહોતા?”

16 પરંતુ રાજાએ ગુસ્સે થઇને કહ્યું, “મેં તારી સલાહ ક્યાં માંગી છે? ચૂપ રહે, નહિ તો હું તને મારી નાખીશ.” પ્રબોધકે જતાં જતાં ચેતવણી આપી, “હું જાણું છું કે, દેવે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે કારણકે તેઁ આ મૂર્તિઓની પૂજા કરી છે, અને મારી સલાહ માની નથી.”

17 એ પછી યહૂદાના રાજા અમાસ્યાએ સલાહ મસલત કરીને યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશ પાસે સંદેશાવાહક મોકલી કહેવડાવ્યું કે, “ચાલો, આપણે મોઢા મોઢ મળીએ.”

18 પછી ઇસ્રાએલના રાજા યહોઆશે (યોઆશે) એમ કહીને વળતો જવાબ મોકલ્યો કે, “લબાનોનના એક નાનકડાં જાંખરાએ લબાનોનના દેવદારને સંદેશો મોકલ્યો, ‘મારા પુત્ર સાથે તારી પુત્રી પરણાવ.’ પણ લબાનોનના એક જંગલી પશુએ ત્યાંથી પસાર થતી વખતે પેલા જાંખરાને પોતાના પગ તળે કચડી નાંખ્યુ.

19 ‘મેં અદોમ સર કર્યુ છે’ એમ તું કહે છે, અને તેથી તારું મગજ ફાટી ગયું છે. અદોમ ઉપર વિજય મળવાથી તું ઘણો અભિમાની થઇ ગયો છે, પણ મારી સલાહ છે કે, તું તારે ઘેર રહે અને મારી સાથે યુદ્ધ કરીશ નહિ, રખેને તું અને સમગ્ર યહૂદા ભારે નુકશાન વહોરી લો.”

20 પણ અમાસ્યાએ સાંભળ્યું નહિ. કારણકે તેઓ અદોમના દેવને ભજતા હતા. લડાઇમાં યહૂદા હારી જાય એમ દેવ ઇચ્છતા હતા. તેથી જ તેમણે અમાસ્યાને ઇસ્રાએલ સામે લડાવ્યો.

21 માટે ઇસ્રાએલના રાજા યોઆશે ચઢાઇ કરી; અને તે તથા યહૂદાનો રાજા અમાસ્યા યહૂદાના બેથશેમેશમાં એકબીજાને સામસામે મળ્યા.

22 યહૂદાના માણસો ઇસ્રાએલના માણસોથી હારીને પોતપોતાને ઘેર ભાગી ગયા.

23 પણ ઇસ્રાએલનો રાજા યોઆશ યહૂદાના હારી ગયેલા રાજા અમાસ્યાને કેદ કરીને યરૂશાલેમ લઇ ગયો. ત્યાં તેણે એફ્રાઇમના દરવાજાથી ખૂણાના દરવાજા સુધીનો 200 હાથ જેટલો યરૂશાલેમનો કોટ તોડી નંખાવ્યો.

24 વળી દેવના મંદિરમાંથી જે બધું સોનું-ચાંદી તથા જે સર્વ પાત્રો તેને મળ્યા હતાં, તે લઇને તે સમરૂન પાછો ફર્યો. આ બધી વસ્તુઓ ઓબેદ-એદોમના તાબામાં હતી-તે રાજાના મહેલમાંથી પણ સંપત્તિ લઇ આવ્યો હતો અને થોડા કેદીઓને પણ સમરૂન પાછા લાવ્યો હતો.

25 ઇસ્રાએલના રાજા યહોઆહાઝના પુત્ર યહોઆશના મૃત્યુ પછી યહૂદાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા 15 વર્ષ જીવ્યો.

26 અમાસ્યાનાં બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદાના તથા ઇસ્રાએલના રાજાઓના પુસ્તકમાં નોંધેલા છે.

27 અમાસ્યા યહોવાનું અનુકરણ ન કરતાં અવળે માર્ગે ચાલવા લાગ્યો તે સમયથી યરૂશાલેમમાં લોકોએ તેની વિરૂદ્ધ બંડ કર્યુ. તેથી તે લાખીશ ભાગી ગયો, પણ લાખીશ સુધી તેનો પીછો કરવામાં આવ્યો અને તેને ત્યાં જ ઠાર કરવામાં આવ્યો.

28 ત્યારબાદ તેનો મૃતદેહ ઘોડા ઉપર યરૂશાલેમ લાવવામાં આવ્યો અને ત્યાં દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan