૨ કાળવૃત્તાંત 2 - પવિત્ર બાઈબલમંદિરના બાંધકામનું આયોજન 1 સુલેમાને યહોવાને માટે એક મંદિર અને પોતાને માટે એક રાજમહેલ બાંધવાનો નિર્ધાર કર્યો. 2 તેણે 70,000 લોકોને હમાલ તરીકે સામાન ઊંચકવા માટે, 80,000 માણસોને પર્વતોમાં પથ્થરો કાપવા માટે તથા 3,600 લોકોને તેઓના ઉપર દેખરેખ રાખવા મુકાદમો તરીકે રાખ્યા. 3 ત્યારબાદ સુલેમાને તૂરના રાજા હૂરામને સંદેશો મકલ્યો કે, “તમે મારા પિતા દાઉદને રાજમહેલ બાંધવા માટે સુખડનું લાકડું મોકલ્યું હતું. 4 અત્યારે હું મારા દેવ યહોવા માટે મંદિર બાંધવા માંગુ છું, જ્યાં તેની સમક્ષ નિત્ય ધૂપ થાય, નિત્ય એની સામે રોટલી અપિર્ત થતી રહે, વિશ્રામવારોએ, અમાસને દિવસે અને અમારા દેવ યહોવા દ્વારા ઠરાવાયેલા બીજા ઉત્સવોને દિવસે સવારેને સાંજે દહનાર્પણ અપાય, કારણકે ઇસ્રાએલને માથે એ કાયમી ફરજ છે. 5 “હું જે મંદિર બાંધવાનો છું તે ઘણું મોટું થવાનું છે, કારણ, અમારો દેવ સર્વ દેવો કરતઁા મોટો છે. 6 પરંતુ તેમને માટે યોગ્ય નિવાસસ્થાન કોણ બાંધી શકે? અપાર ઊંચામાં ઊંચું આકાશ પણ તેને સમાવી શકતું નથી. તો પછી હું કોણ કે તેને માટે મંદિર બાંધું? એ તો માત્ર તેની સમક્ષ ધૂપ કરીને તેમનું ભજન કરવાનું સ્થાન જ બનશે. 7 “તેથી સોના ચાંદીનું, અને પિત્તળ તથા લોખંડનું કામ કરનારા કુશળ કારીગરો; તથા કિરમજી, લાલ અને આસમાની રંગના કાપડ નું શું કરવું એ જાણનાર લોકોને મારી પાસે મોકલી આપો. વળી મારા પિતા દાઉદે પસંદ કરેલા યહૂદિયા અને યરૂશાલેમના કારીગરો સાથે કામ કરી શકે તેવા કોતરણી કામના નિષ્ણાંત કારીગરોને મોકલી આપો. 8 વળી, મને દેવદારનું, પાઇનના વૃક્ષનું અને ઓલ્ગમંના વૃક્ષનું લાકડું પણ મોકલાવશો, કારણ, મને ખબર છે કે તમારા માણસો દેવદારમાં વૃક્ષો પાડવામાં પાવરધાં છે. મારા માણસો તમારા માણસો સાથે કામ કરશે. 9 તેઓને સહાય કરવા માટે હું મારા માણસો મોકલી આપીશ. હું જે મંદિર બાંધુ છું તે માટે પુષ્કળ પ્રમાણમાં ઇમારતી લાકડું જોઇશે કારણકે તે મંદિર બહુ જ મોટું અને અતિ ભવ્ય બનશે. 10 તમારા વૃક્ષો પાડનારા માણસો માટે હું 1,25,000 બુશેલ ઘઉં, 1,25,000 બુશેલ જવ, 1,15,000 ગેલન દ્રાક્ષારસ અને 1,15,000 ગેલન તેલ મોકલીશ.” 11 તૂરના રાજા હૂરામે રાજા સુલેમાનને પત્ર દ્વારા નીચેનો જવાબ મોકલ્યો, “યહોવાને તેના લોકો માટે પ્રેમ છે માટે તેણે આપને તેમના રાજા બનાવ્યા છે.” 12 હૂરામે વધુમાં લખ્યું છે, “ઇસ્રાએલના દેવ યહોવાનો જય હો! તેણે આકાશ અને પૃથ્વી બનાવ્યાં છે, અને રાજા દાઉદને જ્ઞાની, બુદ્ધિશાળી અને સમજુ પુત્ર આપ્યો છે, જે યહોવાને માટે મંદિર અને પોતાને માટે રાજમહેલ બંધાવનાર છે. 13 હું તમારી પાસે મારા પ્રખ્યાત અને નિપુણ કારીગર હૂરામ-અલીને મોકલું છું. તે ઘણો હોંશિયાર છે. 14 એનાં માતા દાનવંશના અને પિતા તૂરના છે. એ સોના-ચાંદીનું, કાંસાનું અને લોઢાનું પથ્થરનું અને લાકડાનું તેમજ જાંબુડીયા, કિરમજી અને ભૂરા રંગના કિંમતી કાપડનું કામ કરવામાં કુશળ છે. વળી, એ બધી જાતનું કોતરકામ કરવામાં પણ હોશિયાર છે. એને સોંપેલી કોઇ પણ ભાત એ કોતરી શકે છે. એ મારા ધણી અને આપના પિતા દાઉદના કારીગરો અને આપના કારીગરો સાથે કામ કરી શકે તેમ છે. 15 “તેથી તમારા જણાવ્યા મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ મોકલી આપો. 16 અમે લબાનોનમાંથી આપને જોઇતાં બધાં લાકડાં કાપીશું, અને દરિયાઇ માર્ગે યાફા સુધી પહોંચાડીશું. ત્યાંથી તેને યરૂશાલેમ પહોંચાડવાની જવાબદારી તમારી રહેશે.” 17 સુલેમાને પોતાના પિતા દાઉદે કરાવેલી વસ્તી ગણતરીની જેમ ઇસ્રાએલમાં વસતા બધા વિદેશીઓની વસ્તી ગણતરી કરાવી તો તેમની સંખ્યા 1,53,000 અને છસો જેટલી થઇ. 18 તેણે તેઓમાંના 70,000ને મજૂરો તરીકે, 80,000ને પથ્થરોની ખાણોમાં કામ કરવા અને 36,000ને છસોને આ લોકો પાસે કામ કરાવવા મુકાદમ તરીકે નીમ્યા. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International