Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 15 - પવિત્ર બાઈબલ


આસામા પરિવર્તન

1 ત્યારબાદ ઓદેદના પુત્ર અઝાર્યામાં યહોવાનો આત્મા પ્રવેશ્યો.

2 તેથી તે આસાને મળવા ગયો, ને કહ્યું, “આસા તથા યહૂદા અને બિન્યામીનના બધા લોકો, મારી વાત સાંભળો, જ્યાં સુધી તમે યહોવા સાથે રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે, તમે જો તેને શોધશો, તો તે તમને મળશે. જો તમે તેનો ત્યાગ કરશો, તો તે તમારો ત્યાગ કરશે.

3 ઘણા લાંબા સમયથી ઇસ્રાએલી લોકોએ સાચા દેવની પ્રાર્થના કરી ન હતી, અને તેઓને તે વિષેનું શિક્ષણ આપવા માટે ત્યાં કોઇ યાજક ન હતો. દેવના નિયમશાસ્ત્ર અનુસર્યા વિના તેઓ જીવન પસાર કરતા હતા.

4 પરંતુ જ્યારે પોતાના સંકટના સમયે તેમણે ઇસ્રાએલના દેવ યહોવા તરફ વળી તેની શોધ આદરી ત્યારે તે તેમને પ્રાપ્ત થયા.

5 તેઓએ દેવ વિરુદ્ધ બળવો પોકાર્યો હતો, તેથી તે સમયે કોઇને શાંતિ નહોતી, દેશ દરેક રીતે મુશ્કેલીમાં આવી પડ્યો હતો અને સર્વત્ર ગુનાઓ વધી રહ્યા હતા.

6 પ્રજાઓ અને નગરો એકબીજા સાથે લડીને પાયમાલ થતાં હતા. કારણકે દેવ તેઓને દરેક પ્રકારની આફતો વડે શિક્ષા કરતા હતા.

7 પણ હવે તમે બળવાન બનજો અને હિંમત હારશો નહિ. તમને તમારા કાર્યોના ફળ મળશે.”

8 જ્યારે આસાએ દિવ્યવાણીના વચનો ઓદેદની ભવિષ્યવાણીમાં સાંભળ્યા, ત્યારે તેણે હિંમત રાખીને યહૂદા તથા બિન્યામીનના દેશમાંથી તથા જે શહેરો તેણે એફ્રાઇમના પર્વતીય પ્રદેશમાં જીતી લીધાં હતા, તે બધામાંથી ઘૃણાસ્પદ મૂર્તિઓને હઠાવી દીધી. અને યહોવાના મંદિરની સામેની વેદી તેણે ફરી બંધાવી.

9 ત્યારબાદ તેણે યહૂદા અને બિન્યામીનના બધા લોકોને પોતાની સામે આવવા હુકમ કર્યો, યહોવા દેવ રાજા આસાની સાથે છે, તે જાણીને એફ્રાઇમ, મનાશ્શા અને શિમયોન પ્રદેશોમાંથી ઇસ્રાએલમાં વસવા આવેલાં લોકોને ભેગા કરવાનો હુકમ કર્યોં.

10 આસાના અમલ દરમ્યાન પંદરમા વર્ષના ત્રીજા મહિનામાં તેઓ યરૂશાલેમમાં ભેગા થયા.

11 અને તેમણે તે દિવસે પોતે જે લૂંટ સાથે લાવ્યા હતા, તેમાંથી 700 બળદો અને 7,000 ઘેટાંનાં હોમબલિ તેઓએ યહોવાને ચઢાવી.

12 તેમણે પોતાના પિતૃઓના દેવ યહોવાની સાચા હૃદયથી ઉપાસના કરવાનો કરાર કર્યો;

13 નાનો હોય કે મોટો, સ્રી હોય કે પુરુષ, જે કોઇ ઇસ્રાએલનાં દેવ યહોવાની ઉપાસના ન કરે તેને મૃત્યુદંડ દેવાનું ઠરાવવામાં આવ્યું.

14 ત્યારબાદ તેમણે શરણાઇ અને રણશિંગડા ને તુરાઇઓ વગાડીને મોટા સાદે યહોવા સમક્ષ પ્રતિજ્ઞા લીધી.

15 તે બધા ખૂબ આનંદમાં હતા; કારણકે તેઓએ પોતાના પૂરા અંત:કરણથી અને સંપૂર્ણ ઇચ્છાથી દેવ સાથે આ કરાર કર્યો હતો. અને દેવને સર્વશ્રેષ્ઠ સ્થાન આપીને યહોવાને શોધ્યા. તે તેઓને મળ્યા; અને તેમણે તેઓને ચોતરફ શાંતિ આપી અને સલામતી બક્ષી.

16 આસાએ પોતાની દાદી માઅખાહને પણ રાજમાતા પદેથી ષ્ટ કરી, કારણકે તેણે અશેરાહની પૂજા માટે અશ્લીલ મૂર્તિ કરાવી હતી. આસાએ તે મૂર્તિને તોડી, તેના ભૂક્કેભૂક્કા કરી નાખ્યા અને કિદ્રોનની ખીણમાં સળગાવી દીધી.

17 જો કે ઇસ્રાએલમાંથી ટેકરી ઉપરના સ્થાનકો દૂર કરવામાં આવ્યા નહોતા. તેમ છતાં આસા જીવનભર યહોવાને સંપૂર્ણ વફાદાર રહ્યો.

18 તેના પિતાએ તેમજ તેણે પોતે યહોવાને ધરાવેલી બધી ભેટો સોનુંરૂપું, અને વાસણો બધું યહોવાના મંદિરમાં જમા કરાવી દીધું.

19 આસા રાજાની કારકિદીર્ના પાંત્રીસ વર્ષ સુધી ત્યાં બીજું કોઇ યુદ્ધ કે લડાઇ થયા નહિ.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan