Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 14 - પવિત્ર બાઈબલ

1 એ પછી અબિયા પિતૃલોકને પામ્યો, અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર આસા યહૂદિયાનો રાજા બન્યો. તેના શાસનકાળના પ્રથમ દશ વર્ષ દરમિયાન દેશમાં શાંતિ હતી.


આસા રાજા યહોવાને આધીન

2 આસાએ એના દેવ યહોવાની નજરમાં સારું અને યોગ્ય ગણાય એવું આચરણ કર્યુ.

3 તેણે પારકી મૂર્તિઓની વેદીઓ અને પર્વતો પરનાં ઉચ્ચસ્થાનો તોડી પાડ્યાં. તેણે પૂજાસ્તંભો ભાંગી નાખ્યા, અને અશેરા દેવીના લાકડાના થાંભલા કાપી નાખ્યા.

4 અને યહૂદાના લોકોને તેમના પિતૃઓના દેવ યહોવાની સેવાપૂજા કરવાનો અને તેના કાનૂનો અને આજ્ઞાઓનું પાલન કરવાનો હુકમ કર્યો.

5 તેણે યહૂદાના પ્રત્યેક શહેરમાંના ટેકરી ઉપરના થાનકોનો અને ધૂપવેદીઓનો નાશ કર્યો. તેના અમલ દરમિયાન રાજ્યમાં શાંતિ રહી.

6 તેને લીધે સમગ્ર યહૂદિયામાં તે કિલ્લાવાળા નગરો બાંધી શક્યો. તે ભૂમિને યહોવાએ શાંતિ આપી.

7 તેણે યહૂદાના લોકોને કહ્યું, “ચાલો, આપણે આ શહેરો નવેસરથી બાંધીએ, તેમની ફરતે કોટ કરીએ અને તેના બુરજો અને ભૂંગળોવાળા દરવાજા મૂકીએ, આ ભૂમિ હજી આપણી છે, કારણ, આપણે આપણા દેવ યહોવાની સેવાપૂજા કરીએ છીએ અને તેણે આપણા ઉપર દયા કરી, આપણને બધી બાજુએથી શાંતિ અને સલામતી આપી છે.” આથી તેમણે નગરો બાંધવા માંડ્યાં અને એ કામ સફળતાપૂર્વક પાર ઉતાર્યુ.

8 આસા પાસે ઢાલ અને ભાલાથી સજ્જ 3,00,000 યહૂદાવંશીઓ, અને 2,80,000 ઢાલ ધનુષ્યથી સજ્જ બિન્યામીન વંશીઓનું સૈન્ય હતું. એ બધા જ શૂરવીર યોદ્ધાઓ હતા.

9 કૂશ દેશનો સેનાપતિ ઝેરાહ 10,00,000 સૈનિકો અને 300 રથનું સૈન્ય લઇને આસા સામે યુદ્ધ કરવા આવ્યો અને તે મારેશાહ સુધી આવી પહોંચ્યો.

10 આસા તેનો સામનો કરવા બહાર પડ્યો અને તેણે મારેશાહ આગળ સફાથાહના મેદાનમાં સેનાને યુદ્ધ માટે ગોઠવી.

11 આસાએ પોતાના દેવ યહોવાને અરજ કરી, “હે યહોવા, બળવાનની વિરૂદ્ધ નિર્બળને સહાય કરનાર, તારા સિવાય બીજો કોઇ નથી; હે યહોવા, અમારા દેવ, અમને સહાય કર; અમને માત્ર તારો જ આધાર છે. અને તારું નામ લઇને જ અમે આ મોટા સૈન્યની સામે આવ્યા છીએ, હે યહોવા, તું અમારો દેવ છે. લોકો તારી પર વિજયી ન થાય, એ જોજે.”

12 યહોવાએ આસા અને યહૂદાવાસીઓને હાથે કુશીઓને હરાવી દીધા અને તેઓ ભાગવા લાગ્યા.

13 આસા અને તેના માણસોએ ગરાર સુધી તેમનો પીછો કર્યો. યહોવા અને તેની સેના આગળ કુશીઓ છિન્નભિન્ન થઇ ગયા; તેથી ઘણા કુશીઓ મરી ગયા કે તેઓ બીજુ લશ્કર ઊભુ કરી શક્યા નહિ. યહૂદાવાસીઓએ મોટા જથ્થામાં લૂંટ ભેગી કરી.

14 તેમણે ગરારની આસપાસના બધાં શહેરોનો નાશ કર્યો, કારણ, યહોવાએ લોકોને ભયભીત બનાવી દીધાં હતા, તેમણે બધા શહેરો લૂંટી લીધા, અને તેમને એ શહેરોમાંથી પુષ્કળ લૂંટ મળી,

15 તેઓએ નગરોને લૂંટી લીધા અને ઘેટાંપાળકોનાં ઢોર રાખવાના માંડવા તોડી નાખ્યા અને સંખ્યાબંધ ઘેટાં તથા ઊંટો લઇને અંતે તેઓ યરૂશાલેમ પાછા આવ્યા.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan