૨ કાળવૃત્તાંત 11 - પવિત્ર બાઈબલ1 રહાબઆમે યરૂશાલેમ આવીને યહૂદા અને બિન્યામીનના કુળસમૂહના કુલ 1,80,000 ચુનંદા યોદ્ધાઓને ભેગા કર્યા. 2 પરંતુ યહોવાએ દેવભકત શમાયાને કહ્યું કે, 3 “યહૂદાના રાજા અને સુલેમાનના પુત્ર રહાબઆમને અને સર્વ ઇસ્રાએલીઓને જે યહૂદા અને બિન્યામીનમાં રહે છે તેઓને કહે કે: 4 ‘આ યહોવાના વચન છે: તમારા ભાઇઓ સામે લડવા જશો નહિ, ભલે સૌ કોઇ પોતપોતાને ઘેર પાછા જાય, જે કાઇં બન્યું છે તે ફકત મારી ઇચ્છાથી જ બન્યું છે.’” તેમણે યહોવાનું કહ્યુ માન્યું અને યરોબઆમની સાથે લડવાનું માંડી વાળ્યું. યહૂદાને શકિતશાળી બનાવતો રહાબઆમ 5 રહાબઆમ યરૂશાલેમમાં રહ્યો. અને યહૂદાના કેટલાંક શહેરોની કિલ્લેબંદી કરાવી. તેણે કિલ્લેબંદી કરાવેલા શહેરો આ પ્રમાણે છે: 6 બેથલેહેમ, એટામ, તકોઆ 7 બેથ-સુર, સોખો, અદુલ્લામ 8 ગાથ, મારેશાહ, ઝીફ, 9 અદોરાઇમ, લાખીશ અઝેકાહ 10 સોરાહ, આયાલોન, અને હેબ્રોન, આ શહેરો યહૂદામાં અને બિન્યામીનમાં આવેલાં છે, 11 તેણે ત્યાં મજબૂત કિલ્લા બંધાવ્યા અને તેમાં અનાજ, તેલ અને દ્રાક્ષારસનો સંગ્રહ કરી ત્યાં સૈન્યોના વડાઓને મૂકયા. 12 પ્રત્યેક નગરના શાસ્ત્રાગારમાં નગરનું રક્ષણ કરવા માટે તેણે ઢાલો અને ભાલાઓ મૂક્યા, આમ, યહૂદા અને બિન્યામીન તેને વફાદાર રહ્યાં હતા. 13 યાજકો અને લેવીઓ ઉત્તરના રાજ્યમાંથી પોતાના ઘરબાર તજીને તેની સાથે સહમત થવા માટે આવી ગયાં. 14 યરોબઆમ રાજાએ તેઓને ફરજ પરથી છૂટા કર્યા હતા અને કહ્યું હતું કે હવે તમારે યહોવાના યાજકો તરીકે કામ કરવું નહિ. 15 તેઓના સ્થાને તેણે બીજાઓને યાજકો બનાવ્યા. આ યાજકોએ લોકોને ઉચ્ચસ્થાનોમાં, યરોબઆમે બનાવેલ વાછરડાંના પૂતળાંની પૂજા કરવા માટે લોકોને ઉત્તેજન આપ્યું. 16 ઇસ્રાએલની બધી ટોળીઓમાંથી યહોવાના જેટલા ભકતો હતા, તે બધાએ યાજકો અને લેવીઓની પાછળ પાછળ, યહોવા પોતાના પિતૃઓના દેવને બલિ ચઢાવવા યરૂશાલેમ આવ્યા. 17 એ લોકોએ આને કારણે યહૂદાના રાજ્યના બળમાં વધારો કર્યો અને ત્રણ વર્ષ સુધી તેમણે રહાબઆમને ટેકો આપ્યો, કારણ, એ ત્રણ વર્ષ દરમ્યાન તે દાઉદ અને સુલેમાનને પગલે ચાલ્યો હતો. રહાબઆમનું કુટુંબ 18 રહાબઆમે માહલાથ સાથે લગ્ન કર્યું. માહલાથનો પિતા, દાઉદનો પુત્ર યરીમોથ હતો અને તેની માતા દાઉદના ભાઇ અલીઆબની પુત્રી અબીહાઇલ હતી. 19 તેઓને ત્રણ પુત્રો થયા; યેઉશ, શમાર્યા અને ઝાહામ, 20 ત્યારબાદ તે આબ્શાલોમની પુત્રી માઅખાહને પરણ્યો અને તેનાથી તેને અબિયા, અત્તાય, ઝીઝા અને શલોમીથ જન્મ્યા. 21 પોતાની બધી પત્નીઓ અને ઉપપત્નીઓ કરતાં રહાબઆમ માઅખાહ ઉપર વધારે પ્રેમ રાખતો હતો. તેને બધી મળીને 18 પત્નીઓ અને 60 ઉપપત્ની હતી. અને તેમનાથી તેને 28 પુત્રો અને 60 પુત્રીઓ થઈ હતી. 22 રહાબઆમે માઅખાહના પુત્ર અબિયાને બધા ભાઇઓમાં વડો નીમ્યો અને તેને પોતાના પછી રાજા બનાવવાની ષ્ટિએ પાટવી કુંવર ઠરાવ્યો. 23 રહાબઆમે યુકિતપૂર્વક તેના બીજા પુત્રોને યહૂદિયા અને બિન્યામીનના બધા પ્રદેશોમાં કિલ્લેબંદ નગરોમાં રહેવા માટે મોકલી દીધા. તેણે તેઓને મોટા સાલિયાણાં બાંધી આપ્યા. અને પ્રત્યેકને ઘણી સ્રીઓ સાથે પરણાવ્યા. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International