Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 1 - પવિત્ર બાઈબલ


સુલેમાનની જ્ઞાન માટેની પ્રાર્થના

1 દાઉદનો પુત્ર સુલેમાન પોતાના રાજ્યમાં બળવાન થયો. કારણકે તેના દેવ યહોવા તેની મદદમાં હતા. દેવે તેનો મહિમા ખૂબ વધાર્યો.

2 તેણે લશ્કરના સર્વ અધિકારીઓને, ન્યાયાધીશોને તેમજ આગેવાનો અને ઇસ્રાએલના કુટુંબના વડીલોને ગિબયોનમાં એકત્ર કર્યા.

3 ત્યારબાદ સુલેમાન, સૌને ગિબયોન પર્વતની ટોચે લઇ ગયો, જ્યાં દેવનો મુલાકાત મંડપ હતો, જે મૂસા અને તેના લોકોએ તેમની અરણ્યની મુસાફરી દરમ્યાન તે બાંધ્યો હતો.

4 દેવનો કરારકોશ ત્યાં ન હતો કારણકે દાઉદ દેવનો કરારકોશ કિર્યાથ-યઆરીમથી યરૂશાલેમ લઇ આવ્યો હતો જ્યાં તેણે તેના માટે એક નવો મંડપ તૈયાર કર્યો હતો.

5 વળી હૂરના પુત્ર ઉરીના પુત્ર બસાલએલે જે કાંસાની વેદી બનાવી હતી તે ગિબયોનના પવિત્રમંડપની સામે હતી; સુલેમાન તથા એકત્ર થયેલા અધિકારીઓએ તથા આગેવાનોએ ત્યાં યહોવાની ઉપાસના કરી.

6 સુલેમાને યહોવાની સામે મુલાકાતમંડપ પાસે જે પિત્તળની વેદી હતી. તેના પર 1,000 દહનાર્પણો ચઢાવ્યા.

7 તે દિવસે રાત્રે દેવે સુલેમાનને દર્શન આપ્યા અને કહ્યું, “માગ, તારી જે ઇચ્છા હોય તે, હું તને તે અવશ્ય આપીશ.”

8 સુલેમાને કહ્યું, “હે દેવ, તમે મારા પિતા દાઉદ પ્રત્યે બહુ જ ભલાઇ અને દયા દર્શાવી હતી, અને હવે તમે મને રાજ્ય સોંપ્યું છે.

9 હે દેવ યહોવા, મારા પિતા દાઉદને આપેલું વચન પૂરું કરો. તમે મને ધરતીની ધૂળના કણ જેટલા અગણિત લોકોનો રાજા બનાવ્યો છે.

10 હવે તમે મને ડહાપણ અને જ્ઞાન આપો, જેથી હું આ લોકોને દોરવણી આપી શકું, કારણ, આ તમારી મહાન પ્રજાને માર્ગદર્શન કોણ કરી શકે?”

11 દેવે સુલેમાનને કહ્યું, “તારો અભિગમ સારો છે, તેં ધન, સંપત્તિ કે જાહોજલાલી અથવા તારા દુશ્મનોનાં મોત કે પોતાના માટે દીર્ધાયુષ્યની પણ માગણી કરી નથી, પણ તારા પર હું ડહાપણ અને જ્ઞાનની વર્ષા કરીશ, જેથી તું મારા લોકો પર શાશન કરી શકે જેમનો મેં તને રાજા બનાવ્યો છે.

12 ઉપરાંત, હું તને એવાં તો ધન, સંપત્તિ અને જાહોજલાલી આપીશ કે જેવાં તારી પહેલાંના કોઇએ પણ ન ભોગવ્યાં હોય કે તારી પછી કોઇ ભોગવશે નહિ.”

13 ત્યારબાદ ગિબયોનના ઉચ્ચસ્થાનેથી, મુલાકાત મંડપથી પાછા યરૂશાલેમ આવીને સુલેમાને ઇસ્રાએલ ઉપર રાજ્ય કરવા માંડ્યું.


સેના અને સંપત્તિ ઊભી કરતો સુલેમાન

14 સુલેમાને રથો અને ઘોડાઓની એક મોટી સેના ઊભી કરી. તેની પાસે 1,400 રથો અને 12,000 ઘોડા હતા, તેમાંના કેટલાક તેણે રથ રાખવાના નગરોમાં રાખ્યા અને બાકીના પોતાની પાસે યરૂશાલેમમાં રાખ્યા.

15 એના શાસન દરમ્યાન યરૂશાલેમમાં સોનું અને ચાંદી કાંકરા જેટલાં સસ્તાં થઇ ગયાં હતા અને મૂલ્યવાન દેવદાર વૃક્ષોનું ઇમારતી લાકડું સામાન્ય ગુલ્લરકાષ્ટની જેમ મળતું થઇ ગયું હતું.

16 સુલેમાનના ઘોડા મિસર માંથી આણેલા હતા; રાજાના સોદાગરો એ ઘોડાઓને જથાબંદમા ખરીદી કરી હતી.

17 મિસરથી 600 ચાંદીના શેકેલ ભાવે રથો આયાત કરવામાં આવતા હતા. અને ઘોડા 150 ચાંદીના શેકેલ ભાવે, હિત્તીઓના તેમજ અરામના બધા રાજાઓ પણ ઘોડા અને રથો એ આડતિયાઓ પાસેથી આયાત કરતા હતા.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan