1 તિમોથી 6 - પવિત્ર બાઈબલમાટે કેટલાએક નિયમો 1 સર્વ દાસોએ પોતાના શેઠ પ્રત્યે સંપૂર્ણ માન દર્શાવવું જોઈએ. જો તેઓ આમ કરશે તો, દેવનું નામ અને આપણો ઉપદેશ ટીકાને પાત્ર થશે નહિ. 2 કેટલાએક દાસોના શેઠો વિશ્વાસીઓ હોય છે. તેથી જે દાસો તથા એ શેઠો ભાઈઓ છે. પરંતુ એનો અર્થ એવો નથી કે એ દાસો પોતાના શેઠોને ઓછું માન આપે તો ચાલે. ના! તેઓએ તો વધારે કામ કરવું જોઈએ કારણ કે તેઓ કે જેને તેની સેવાઓ દ્વારા લાભ થયો છે તેઓ વિશ્વાસીઓ છે. જેને તેઓ પ્રેમ કરે છે. તેઓને આ વાતો શીખવ અને સલાહ આપ. ખોટો ઉપદેશ અને સાચું ધન 3 કેટલાએક લોકો એવી બાબતોનો ઉપદેશ આપશે કે જે ખોટો જ હોય. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સત્ય વચનો સાથે એ લોકો સંમત નહિ થાય. અને દેવની સેવાનો સાચો માર્ગ દર્શાવતા ઉપદેશનો તેઓ સ્વીકાર નહિ કરે. 4 ખોટી રીતે ઉપદેશ આપતી વ્યક્તિ અભિમાનથી છલકાય છે અને કશું જાણતી હોતી નથી. તે વ્યક્તિમાં દલીલબાજીની બિમારી હોય છે. અને એ શબ્દો વિષે દલીલબાજી કરે છે. એના પરિણામે ઈર્ષા, મુશ્કેલીઓ, અપમાનો અને ખોટા વહેમ ઉત્પન્ન થાય છે. 5 પણ ભ્રષ્ટ મતિના લોકોથી પરિણામે સતત દલીલબાજી થાય છે. એ લોકોએ સત્ય ખોઈ નાખ્યું છે. તેઓ એવું માનતા હોય છે કે દેવની સેવા તો કમાઈનું સાધન છે. 6 એ સાચું છે કે દેવની સેવા-ભક્તિ માણસને ખૂબ ધનવાન બનાવે છે. જો તેને પોતાની વસ્તુઓથી સંતોષ હોય તો. 7 આ દુનિયામાં આપણે જ્યારે આવ્યા ત્યારે, આપણે કશુંય લીધા વગર ખાલી હાથે આવ્યા હતા. અને આપણે જ્યારે મરી જઈશું ત્યારે, આપણે કશુંય લઈ જઈ શકવાના નથી. 8 તેથી આપણને જો પૂરતો ખોરાક અને કપડાં મળી રહે, તો તેનાથી આપણે સંતોષ માનવો જોઈએ. 9 ધનવાન થવાની ઈચ્છા રાખતા લોકો પોતે જ પ્રલોભનોની જાળમાં પકડાય છે. તેઓને ઘણી બધી ચિત્ર-વિચિત્ર વસ્તુઓ મેળવી લેવાની ઈચ્છા થાય છે, કે જે ચીજે તેઓને નુકસાન કે આઘાત આપનારી નીવડે છે. એ વસ્તુઓ લોકોને પાયમાલ કરીને તેઓનો સર્વનાશ આણે છે. 10 પૈસા માટેનો લોભ દરેક જાતનાં પાપોને જન્મ આપે છે. કેટલાએક લોકોએ સાચો વિશ્વાસ (ઉપદેશ) છોડી દીધો છે કેમ કે તેઓ વધુ ને બધુ ધન મેળવવા માગે છે. પરંતુ આમ કરતાં તેઓ પોતાની જાતે ઘણી ત્રાસદાયક મુશ્કેલીઓ ઊભી કરી સહન કરે છે. તારે યાદ રાખવા જેવી કેટલીક બાબતો 11 પરંતુ તું તો દેવભક્ત છે. તેથી એ બધી બાબતોથી તારે દૂર રહેવું જોઈએ. ન્યાયી માર્ગે જીવવાનો પ્રયત્ન કર, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતાના સદગુણ કેળવ. 12 વિશ્વાસ ટકાવી રાખવો એ સ્પર્ધાની હરીફાઈમાં ઉતરવા જેવું છે. એ સ્પર્ધા જીતવા તારાથી જેમ બને તેમ સખત પ્રયત્ન કરજે. અનંતજીવન તને પ્રાપ્ત થાય એની ખાતરી કરજે. એવું જીવન તને મળે એ માટે તને તેડવામાં આવ્યો છે. અને ખ્રિસ્ત વિષેના મહાન સત્યની તેં એવી રીતે કબૂલાત કરી છે કે જેના ઘણા લોકો સાક્ષી છે. 13 દેવ અને ઈસુ ખ્રિસ્ત આગળ હું તને આજ્ઞા આપું છું. જ્યારે ખ્રિસ્ત ઈસુ પોંતિયુસ પિલાત આગળ ઊભો રહ્યો ત્યારે તેણે પણ આજ મહાન સત્ય કબૂલ કર્યુ હતું. અને પ્રત્યેકને જીવન આપનાર એક માત્ર એવો દેવ જ છે. હવે જે હું તને કહું છું: 14 તને જે જે કાર્યો કરવાની આજ્ઞા કરવામાં આવી હતી તે કર. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન ન થાય ત્યાં સુધી તું એ કાર્યો કોઈ પણ દોષ કે ભૂલ કર્યા વગર કરતો રહે. 15 યોગ્ય સમયે એ ઘટના ઘટે એવું દેવ કરાવશે. જે ધન્ય તથા એકલો સ્વામી છે. જે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે. 16 દેવ એકલાને અમરપણું છે. દેવ તો એવા ઝળહળતા પ્રકાશમાં રહે છે કે માનવો એની નજીક જઈ શક્તા નથી. કોઈ પણ વ્યક્તિએ કદી દેવને જોયો નથી. દેવને જોવા માટે કોઈ પણ વ્યક્તિ શક્તિમાન નથી. તેને સદાકાળ ગૌરવ તથા સાર્મથ્ય હો. આમીન. 17 દુન્યવી ચીજ-વસ્તુઓ વડે ધનિક થયેલા લોકોને તું કહેજે કે તેઓ અભિમાની ન બને. એ ધનવાન લોકોને તું કહે કે તેઓ તેઓના ધનમાં નહિ, પરંતુ દેવમાં આશા રાખે. પૈસાનો વિશ્વાસ કરી ન શકાય. પરંતુ દેવ ખૂબ સારી રીતે આપણી સંભાળ લે છે. તે આપણને દરેક વસ્તુ આનંદથી માણવા આપે છે. 18 તું પૈસાદાર લોકોને સારાં કાર્યો કરવાનું કહે. સારાં કાર્યો કરીને સમૃદ્ધ થાય. તેઓ ભલું કરે. ઉત્તમ કાર્યો રુંપી સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને ઉદાર તથા પરોપકારી થાય. 19 એવું કરીને તેઓ પોતાના માટે આકાશમાં એક ખજાનો સંગ્રહ કરશે. તે ખજાનો મજબૂત સ્તંભ બનશે – તે ખજાના ઉપર તેઓ તે ભવિષ્યનું નિર્માણ કરી શકશે. જેથી તેઓ જે ખરેખરું જીવન છે તે પ્રાપ્ત કરી શકે. 20 તિમોથી, દેવે તારામાં વિશ્વાસ મૂકીને તને ઘણી વસ્તુઓ સોંપી છે. તે વસ્તુઓને તું સુરક્ષિત રાખજે. દેવ તરફથી આવતી ન હોય એવી મૂર્ખાઈ ભરી વાતો કરતાં લોકોથી તું દૂર રહેજે. સત્યની વિરૂદ્ધમાં દલીલો કરતાં લોકોથી તું દૂર રહેજે. તેઓ જેને “જ્ઞાન” તરીકે ઓળખાવે છે, તેનો તે લોકો ઉપયોગ કરે છે. પરંતુ ખરેખર તો તે જ્ઞાન નથી. 21 કેટલાએક લોકો એવું કહેતા હોય છે કે તેઓની પાસે એ “જ્ઞાન” છે. એ લોકોએ સત્ય વિશ્વાસ તજ્યો છે. તમ સર્વ પર દેવની કૃપા થાઓ. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International