1 થેસ્સલોનિકીઓ 3 - પવિત્ર બાઈબલ1-2 અમે તમારા સુધી આવી શક્યા નહિ, પરંતુ થોડી વધારે પ્રતીક્ષા કરવી અમારાં માટે ખૂબ કઠિન હતું. તેથી અમે તિમોથીને તમારી પાસે મોકલવાનો નિર્ણય કર્યો. અને અમે આથે સમાં એકલા રહેવાનું નક્કી કર્યુ, તિમોથી આપણો ભાઈ છે. તે દેવ સાથે ખ્રિસ્ત વિષેની સુવાર્તા લોકોને કહેવાનું કાર્ય કરે છે. અમે તિમોથીને તમારી પાસે તમારા વિશ્વાસમાં તમને દૃઢ કરવાને અને તમને ઉત્તેજન આપવાને મોકલ્યો. 3 અમે તિમોથીને મોકલ્યો જેથી તમારામાંનો કોઈ અત્યારે જે આપત્તિઓ છે, તેનાથી વિચલિત ન થાય. તમે પોતે પણ જાણો જ છો કે આપણા પર તો આવી મુશ્કેલીઓ આવશે જ. 4 જ્યારે અમે તમારી સાથે હતા, ત્યારે અમે તમને જણાવ્યું હતું કે, આપણે સહન કરવાનું થશે. અને તમે જાણો છો કે જે રીતે અમે કહ્યું હતું તે જ પ્રમાણે તે થયું. 5 તેથી જ તિમોથીને મેં તમારી પાસે મોકલ્યો, જેથી કરીને તમારા વિશ્વાસ વિષે હું જાણી શકું. હું વધારે પ્રતીક્ષા કરી શકું તેમ ન હતો તેથી મેં તેને મોકલ્યો. મને ભય હતો કે તે એક (શેતાન) કે જે લોકોનું પરીક્ષણ કરે છે તેણે તમારું પણ પરીક્ષણ કર્યુ હોય, અને તમારો પરાજય કર્યો હોય. તેથી અમારો કઠોર પરિશ્રમ વેડફાઈ ગયો હતો. 6 પરંતુ તિમોથી તમારી પાસેથી અમારી પાસે પાછો આવ્યો. તેણે તમારા વિશ્વાસ અને પ્રેમના ખુશકારક સમાચાર અમને જ્ણાવ્યા. તિમોથીએ અમને જ્ણાવ્યું કે તમે હમેશા સારી ભાવનાથી અમારું સ્મરણ કરો છો. તેણે અમને જ્ણાવ્યું કે તમે અમને મળવા અત્યંત આતુર છો. અને અમારી સાથે પણ તેમ જ છે, અમે પણ તમને મળવા અત્યંત ઈચ્છીએ છીએ. 7 તેથી ભાઈઓ અને બહેનો, તમારા વિષે જાણીને તમારા વિશ્વાસને કારણે અમને પ્રોત્સાહન મળ્યું છે. અમારે ઘણી મુશ્કેલીઓ અને પીડાઓ છે, છતાં પણ અમને સાંત્વન છે. 8 જો તમે પ્રભુમાં દ્રઢ છો તો આપણું જીવન ખરેખર ભરપૂર છે. 9 તમારે કારણે અમારા દેવ આગળ અમે અત્યંત હર્ષ અનુભવીએ છે! તેથી તમારા માટે અમે દેવની આભારસ્તુતિ કરીએ છીએ. પરંતુ જે પરમ આનંદનો અનુભવ અમે કરીએ છીએ તેના માટે અમે દેવનો પૂરતો આભાર માની શકતા નથી. 10 દિવસ અને રાત્રે તમારા માટે અતિશય પ્રાર્થના કરી રહ્યાં છીએ. અમે પ્રાર્થી રહ્યાં છીએ કે તમારા વિશ્વાસમાં જે કઈ ન્યૂનતા હોય તે સંપૂર્ણ કરવા અમે ત્યાં આવી શકીએ, તમને પુનઃમળી શકીએ અને તમને આવશ્યક બધી જ વસ્તુઓ તમને પૂરી પાડી શકીએ. 11 અમે પ્રાર્થીએ છીએ કે દેવ આપણા બાપ અને આપણા પ્રભુ ઈસુ તમારા સુધી પહોંચવા માટેનો અમારો માર્ગ સરળ બનાવે. 12 અમે પ્રાર્થીએ છીએ કે પ્રભુ તમારામાં પ્રેમને વિકસિત કરે. અમે પ્રાર્થીએ છીએ કે તે તમારામાં એકબીજા અને અન્ય લોકો માટે ઉત્તરોત્તર પ્રેમ વધારે. અમે પ્રાર્થીએ કે જેમ અમે તમને પ્રેમ કરીએ છીએ તેમ તમે બધા જ લોકોને પ્રેમ કરો. 13 તમારા હૃદય સુદૃઢ બને તેથી અમે આમ પ્રાર્થીએ છીએ. તેથી જ્યારે આપણા પ્રભુ ઈસુ તેના સર્વ સંતો સહિત પધારે, ત્યારે દેવ આપણા બાપની હજૂરમાં તમે પવિત્ર અને નિર્દોષ બની શકો. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International