1 પિતર 4 - પવિત્ર બાઈબલજીવન પરિવર્તન 1 જ્યારે ખ્રિસ્ત તેના શરીરમાં હતો ત્યારે તેણે વેદનાઓ સહન કરી તેથી જે રીતે ખ્રિસ્ત વિચારતો હતો તેવા વિચારોમાં તમારે સુદ્દઢ થવું જોઈએ. જે વ્યક્તિએ શરીરમાં દુ:ખો સહ્યાં છે તે પાપથી મુક્ત થયો છે. 2 તમારી જાતને સુદ્દઢ બનાવો કે જેથી આ પૃથ્વી પર દેવ જેવું ઈચ્છે છે તેવું બાકીનું જીવન તમે જીવો અને નહિ કે લોકો ઈચ્છે છે તેવાં દુષ્ટ કાર્યો કરો. 3 ભૂતકાળમાં અવિશ્વાસીઓ જે પસંદ કરે છે તેવા કાર્યો કરીને તમે તમારો ઘણો જ સમય વેડફી નાખ્યો. તમે વ્યભિચાર અને તમારી ઈચ્છા મુજબનાં દુષ્ટ કાર્યો કર્યા હતાં. તમે મદ્યપાન કરીને છકી ગયા હતા અને મોજશોખમાં અને મૂર્તિઓની પૂજા કરીને ખોટું કામ કર્યું હતું. 4 તે અવિશ્વાસીઓને આશ્વર્ય થાય છે કે તેઓ કરે છે તેવું જંગલી અને નિરર્થક કૃત્ય તમે કેમ નથી કરતા! અને તેથી તેઓ તમારી નિંદા કરે છે. 5 પરંતુ તે લોકોએ જે કર્યું છે તેનુ તેઓને સ્પષ્ટીકરણ કરવું પડશે. તેઓએ આ સ્પષ્ટીકરણ તે એક જીવતાંઓનો તથા મૂએલાઓનો ન્યાય કરવાને તૈયાર છે તેની આગળ કરવું પડશે. 6 જેઓ હાલ મૂએલાં છે તેઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી, કારણ કે બધાની જેમ તે લોકોનો પણ ન્યાય કરવામાં આવશે. તેઓ જ્યારે જીવંત હતા ત્યારે તેઓએ જે બાબતો કરી હતી તેનો ન્યાય તોળવાનો હતો. પરંતુ તેઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવી કે જેથી તેઓ દેવના જેવા આત્મામાં જીવે. દેવના કૃપાદાનોના સારા કારભારી બનો 7 એ સમય નજીક છે કે જ્યારે બધીજ વસ્તુઓનો અંત થશે. તેથી તમારા મન શુદ્ધ રાખો, અને તમારી જાત ઉપર નિયંત્રણ રાખો. તમને પ્રાર્થના કરવામાં આ મદદરૂપ બનશે. 8 વધુ મહત્વનું એ છે કે, એક બીજા પર આગ્રહથી પ્રીતિ કરો. પ્રીતિ બધા પાપોને ઢાંકે છે. 9 કોઇ પણ જાતની ફરીયાદ વગર એકબીજાને પરોણા રાખો. 10 તમારામાનાં દરેકને દેવ તરફથી આત્મિક કૃપાદાન પ્રાપ્ત થયું છે. દેવે તેની કૃપા વિવિધ રીતે તમને દર્શાવી છે. અને તમે એવા સેવક છો કે જે દેવના કૃપાદાનના ઉપયોગ માટે જવાબદાર છો. તેથી સારા સેવકો બનો. અને એકબીજાની સેવા કરવા કૃપાદાનનો ઉપયોગ કરો. 11 જો કોઈ વ્યક્તિ બોધ કરે તો તેણે દેવના વચન પ્રમાણે બોધ કરવો જોઈએ. અને જે સેવા કરે છે તેણે દેવ થકી પ્રાપ્ત થયેલ સાર્મથ્ય વડે સેવા કરવી જોઈએ. તમારે એવાં જ કાર્યો કરવા જોઈએ કે જેથી બધી બાબતોમાં ઈસુ ખ્રિસ્ત દ્ધારા દેવ મહિમાવાન થાય તેને સદાસર્વકાળ મહિમા તથા સત્તા છે. આમીન. એક ખ્રિસ્તી જેવી યાતનાઓ 12 મારા મિત્રો, જે વેદનાઓ અત્યારે તમે સહી રહ્યા છો તેનાથી આશ્વર્ય ન પામશો. તે તો તમારા વિશ્વાસની કસોટી છે. એવું ના વિચારશો કે તમારા પ્રત્યે કશુંક નવું થઈ રહ્યું છે. 13 પરંતુ તમે ખ્રિસ્તની યાતનાના સહભાગી છો તે માટે તમારે આનંદ અનુભવવો જોઈએ. જ્યારે ખ્રિસ્ત તેનો મહિમા પ્રગટ કરશે ત્યારે તમે બહુ ઉલ્લાસથી ખૂબજ આનંદિત બનશો. 14 જ્યારે ખ્રિસ્તને અનુસરવાને કારણે લોકો તમારા વિષે ખરાબ બોલે છે, તો તમને ધન્ય છે, કારણ કે મહિમાનો આત્મા તમારી સાથે છે. તે આત્મા દેવનો છે. 15 ખૂની, દુષ્કર્મી, ચોર અથવા બીજા લોકોના કામમાં દખલ કરનારના જેવા ન થશો, આમ કરનાર વ્યક્તિ દુ:ખી થશે પરંતુ તમારામાંથી કોઇ દુ:ખી નહિ થાય. 16 પરંતુ ખ્રિસ્તી હોવાને લીધે તમે જો સહન કરો, તો તેનાથી શરમાશો નહિ. પરંતુ તે નામ (ખ્રિસ્તી) માટે તમારે દેવની સ્તુતિ કરવી જોઈએ. 17 કેમ કે ન્યાય માટેનો સમય આવી ગયો છે. તે ન્યાયની શરુંઆત દેવના કુટુંબ (મંડળી) થી થશે. ન્યાયની શરૂઆત આપણાથી થાય તો જેઓ દેવની સુવાર્તાના આજ્ઞાંકિત નથી તેઓનુ શું થશે? 18 “જો સારા માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે તો પછી જે માણસ દેવની વિરૂદ્ધ છે અને જે પાપી છે તેનું શું થશે?” 19 માટે જે લોકો દેવની ઈચ્છા પ્રમાણે દુ:ખો સહન કરે છે તેઓ સાંરું કરીને પોતાના આત્માઓને વિશ્વાસ ઉત્પન્ન કરનારને સુપ્રત કરે. દેવ એક છે જેણે તેઓને ઉત્પન્ન કર્યા છે, અને તેઓ તેનામાં વિશ્વાસ કરી શકે છે. તેથી તેઓએ સારા કામો કરવાનું ચાલું રાખવું જોઈએ. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International