Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 યોહાન 5 - પવિત્ર બાઈબલ


દેવનાં છોકરાં જગત પર વિજય મેળવે છે

1 ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તેઓ દેવનાં છોકરાં છે. જે વ્યક્તિ પિતાને પ્રેમ કરે છે તે પિતાનાં છોકરાંઓને પણ પ્રેમ કરે છે.

2 આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે દેવનાં છોકરાંઓને પણ પ્રેમ કરીએ છીએ? આપણે જાણીએ છીએ કેમ કે આપણે દેવને પ્રેમ કરીએ છીએ અને આપણે તેની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ.

3 દેવને પ્રેમ કરવો તેનો અર્થ તેની આજ્ઞાઓનું પાલન કરવું. અને દેવની આજ્ઞાઓ આપણા માટે એટલી બધી કઠિણ નથી.

4 શા માટે? કારણ કે પ્રત્યેક વ્યક્તિ જે દેવનું બાળક છે તે જગતમાં વિજય મેળવવા શક્તિમાન છે.

5 તે આપણો વિશ્વાસ છે કે જેણે જગત સામે વિજય મેળવ્યો છે. ફક્ત તે વ્યક્તિ જે વિશ્વાસ કરે છે કે ઈસુ દેવનો દીકરો છે તેના વિના બીજો કોણ જગતને જીતે છે?


દેવ આપણને તેના પુત્ર વિષે કહે છે

6 જે આવ્યો તે ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ પાણી સાથે અને રક્ત સાથે આવ્યો. ઈસુ માત્ર પાણીથી આવ્યો નથી. ના, ઈસુ પાણી અને રક્ત બંનેથી આવ્યો અને આત્મા આપણને કહે છે કે આ સાચુ છે. આત્મા સત્ય છે.

7 તેથી ત્યાં ઈસુ વિશે આપણને કહેનારા ત્રણ સાક્ષીઓ છે:

8 કેમ કે સાક્ષી પૂરનાર ત્રણ છે, એટલે આત્મા, પાણી અને લોહી. આ ત્રણ સાક્ષીઓ છે.

9 તેઓ જે કહે છે તે કંઈક સાચું હોય એવો વિશ્વાસ આપણે લોકો પર કરીએ છીએ. પરંતુ દેવ જે કહે છે તે વધારે મહત્વનું છે. અને દેવે આપણને તેના પોતાના પુત્ર વિશે સાચું કહ્યું છે.

10 જે વ્યક્તિ દેવના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેની પાસે તે સત્ય છે જે દેવે આપણને કહ્યુ છે. જે વ્યક્તિ દેવમાં વિશ્વાસ કરતી નથી તે દેવને જૂઠો પાડે છે. શા માટે? કારણ કે દેવે આપણને તેના પુત્ર વિષે જે કહ્યું તેમાં તે વ્યક્તિ વિશ્વાસ કરતી નથી.

11 દેવે આપણને કહ્યું છે: દેવે આપણને અનંતજીવન આપ્યું છે. અને આ અનંતજીવન તેના પુત્રમાં છે.

12 જે વ્યક્તિ પાસે પુત્ર છે તેની પાસે સાચું જીવન છે. પરંતુ જે વ્યક્તિની પાસે દેવનો પુત્ર નથી, તેની પાસે જીવન નથી.


હવે આપણી પાસે અનંતજીવન છે

13 હું આ પત્ર, જે દેવના પુત્રમાં વિશ્વાસ કરે છે એવા તમને લોકોને લખું છું. જેથી તમે જાણશો કે હવે તમારી પાસે અનંતજીવન છે.

14 આપણે દેવ પાસે શંકા વગર આવી શકીએ છીએ. એનો અર્થ એ છે કે આપણે દેવ પાસે તેની ઈચ્છાનુસાર કંઈ પણ માગીએ તો દેવ આપણને સાંભળે છે.

15 દરેક વખતે આપણે તેની પાસે માગીએ છીએ ત્યારે દેવ આપણને ધ્યાનથી સાંભળે છે. તેથી આપણે જાણીએ છીએ કે તેની પાસે આપણે જે માગીએ તે વસ્તુઓ તે આપણને આપે છે.

16 ધારો કે કોઇ વ્યક્તિ ખ્રિસ્તમાં તેના ભાઇ અથવા બહેનને પાપ કરતા જુએ છે (પાપ કે જે મરણકારક નથી) તો તે વ્યક્તિ એ તેની બહેન અથવા ભાઇ જે પાપ કરે છે તેઓના માટે પ્રાર્થના કરવી જોઈએ. પછી ભાઈ કે બહેનને દેવ જીવન આપશે. જેમનું પાપ અનંત મૃત્યુમાં દોરી જતુ નથી એવા લોકો વિશે હું વાત કરું છું. એવું પણ પાપ છે જે મરણકારક છે. તે વિશે હું કહેતો નથી કે પ્રાર્થના કરવી.

17 ખોટું કરવું તે હંમેશા પાપ છે. પરંતુ એવું પણ પાપ છે જે અનંત મૃત્યુ તરફ દોરી જતું નથી.

18 આપણે જાણીએ છીએ કે કોઇ પણ વ્યક્તિ જે દેવનો બાળક બન્યો છે તે પાપ કર્યા કરતો નથી. દેવનો પુત્ર દેવના બાળકને સુરક્ષિત રાખે છે. શેતાન પણ તે વ્યક્તિને ઈજા કરી શકતો નથી.

19 આપણે જાણીએ છીએ કે આપણે દેવના છીએ. પરંતુ શેતાન આખી દુનિયાને કાબુમાં રાખે છે

20 અને આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આવ્યો છે. દેવના પુત્રએ આપણને સમજ આપી છે. હવે આપણે દેવને ઓળખી શકીએ છીએ. દેવ જે સાચો છે. અને આપણું જીવન તે સાચા દેવ અને તેના પુત્રમાં છે, ઈસુ ખ્રિસ્ત તે જ ખરો દેવ છે, અને તે અનંતજીવન છે.

21 તેથી, વહાલાં બાળકો, તમારી જાતને જૂઠા દેવોથી દૂર રાખો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan