1 કરિંથીઓ 8 - પવિત્ર બાઈબલમૂર્તિઓને ધરેલા નૈંવેદ વિષે 1 હવે હું મૂર્તિઓને ઘરેલા નૈંવેદ વિષે લખીશ આપણે જાણીએ છીએ કે, “આપણા બધા પાસે જ્ઞાન છે.” “જ્ઞાન” તમને અભિમાનથી ચકચૂર કરી દે છે. પરંતુ તમારો પ્રેમ બીજાને શક્તિશાળી બનાવવામાં મદદકર્તા છે. 2 વ્યક્તિ જે માને છે કે તે કઈક જાણે છે તે તેણે ખરેખર જે રીતે જાણવું જોઈએ તેમાનું કશું જ જાણતો નથી. 3 પરંતુ જે વ્યક્તિ દેવને પ્રેમ કરે છે તેને દેવ ઓળખે છે. 4 તેથી હું મૂર્તિઓના નૈંવેદ ખાવા અંગે આમ કહેવા માગું છું: આપણે જાણીએ છીએ કે મૂર્તિ જેવું ખરેખર આ જગતમાં કોઈ અસ્તિત્વ નથી. આપણે એ પણ જાણીએ છીએ કે દેવ ફક્ત એકજ છે. 5 જો લોકો જેને દેવો કહે છે તેવી ઘણી વસ્તુઓ પૃથ્વી પર અને આકાશમાં હોય, તો તેનું કોઈ મહત્વ નથી. (અને ઘણી વસ્તુઓ એવી છે કે જેને લોકો “દેવો” અને “પ્રભુ” તરીકે સંબોધન કરે છે.) 6 પરંતુ આપણા માટે તો ફક્ત એકજ દેવ છે. તે આપણો પિતા છે. દરેક વસ્તુઓનું સર્જન તેનાથી થયું છે અને આપણે તેના માટે જ જીવિત છીએ. અને પ્રભુ તો ફક્ત એક જ છે. તે ઈસુ ખ્રિસ્ત છે. દરેક વસ્તુઓનું સર્જન તેના દ્વારા થયું છે, અને તેના દ્વારા જ આપણને પણ જીવન પ્રાપ્ત થયું છે. 7 પરંતુ બધા લોકો આ બાબત જાણતા નથી. છતાં ત્યાં કેટલાએક લોકો છે જેઓને મૂર્તિપૂજા કરવાની આદત પડેલી હતી. તેથી જ્યારે તે લોકો નૈંવેદ ખાય છે ત્યારે તેઓ હજુ પણ એમ જ માને છે કે તે મૂર્તિઓને છે. તેઓ મનમાં સ્પષ્ટ નથી કે આ નૈવેદ ખાવો યોગ્ય છે. તેથી જ્યારે તેઓ તે ખાય છે, ત્યારે તેઓ અપરાધભાવ અનુભવે છે. 8 પરંતુ ખોરાકથી આપણે દેવની સમીપ નહિ પહોંચીએ ને ખાવાનો ઈન્કાર કરવાથી દેવને આપણે ઓછા પ્રસન્ન કરતા નથી. તે ખાવાથી આપણે વધારે સારા બની જતા પણ નથી. 9 પરંતુ તમારી છૂટ અંગે સાવધ રહો. તમારી છૂટ જે લોકો તેમનાં વિશ્વાસમાં નિર્બળ છે તેવા લોકોને પાપના પતનમાં દોરવા જોઈએ નહિ. 10 તમારી પાસે સમજશક્તિ છે, તેથી મૂર્તિના મંદિરમાં તમે છૂટથી ખાઈ શકાય એમ વિચારો પણ જે વ્યક્તિ વિશ્વાસમાં નિર્બળ છે તે તમને ત્યાં ખાતા જુએ તો તે કાર્ય તેને પણ મૂર્તિઓના નૈવેદમાં બલિનું માંસ ખાવા માટે પ્રોત્સાહિત કરશે. પરંતુ ખરેખર તે માને છે કે તે અનુચિત છે. 11 તેથી આ નિર્બળ ભાઈ તમારા જ્ઞાનને કારણે નાશ પામે. અને ખ્રિસ્ત તો આ ભાઈ માટે જ મૃત્યુ પામેલો. 12 જ્યારે તમે ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનોની વિરૂદ્ધ આ પ્રકારનું પાપ કરો છો, અને જે બાબતોને તેઓ અનુચિત ગણે છે તે કરવા તમે તેમને પ્રેરો છો જેનાથી તેઓને આધાત લાગે છે. તો તમે આ રીતે ખ્રિસ્તની વિરૂદ્ધ પાપ કરો છો. 13 જેથી જે આહાર હું ગ્રહણ કરું છું જેના દ્વારા મારો ભાઈ પાપ કરવા પ્રેરાય છે, તે પછી ફરી ક્યારેય હું માંસ નહિ ખાઉં. હું માંસ ખાવાનું બંધ કરી દઈશ, જેથી હું મારા ભાઈને પાપ કરવા ન પ્રેરી શકું. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International