Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓ 2 - પવિત્ર બાઈબલ


વધસ્તંભ પર ખ્રિસ્ત વિષેનો સંદેશ

1 પ્રિય ભાઈઓ અને બહેનો, જ્યારે હું તમારી પાસે આવ્યો ત્યારે મેં તમારી સમક્ષ દેવ વિષેનું સત્ય પ્રગટ કર્યુ. પણ મેં સુશોભિત વચનો કે ઉત્કૃષ્ટ જ્ઞાનનો ઉપયોગ કર્યો ન હતો.

2 મેં નિર્ણય કર્યો હતો કે જ્યાં સુધી હું તમારી સાથે હોઈશ ત્યાં સુધી હું ઈસુ ખ્રિસ્ત અને તેના વધસ્તંભ પરના મૃત્યુ સિવાય દરેક વસ્તુ ભૂલી જઈશ.

3 જ્યારે હું તમારી પાસે આવ્યો, ત્યારે હું અશક્ત હતો અને ભયથી ધ્રૂજતો હતો.

4 મારી વાણી અને મારો ઉપદેશ લોકો સમજે અને સંમત થાય તેવા જ્ઞાની વચનોથી ભરપૂર ન હતાં. પરંતુ આત્માએ મને જે શક્તિ આપી તે મારા ઉપદેશનું પ્રમાણ હતું.

5 મેં આમ કર્યુ જેથી કરીને તમારો વિશ્વાસ માણસના જ્ઞાન કરતા દેવના સાર્મથ્યમાં જળવાઈ રહે.


દેવનું જ્ઞાન

6 જે લોકો પરિપકવ છે તેમને અમે જ્ઞાનનો ઉપદેશ શીખવીએ છીએ, પરંતુ જે જ્ઞાન અમે આપીએ છીએ તે આ દુનિયાનું નથી. તે આ દુનિયાના શાસકોનું જ્ઞાન નથી કે જે શાસકો તેમની સત્તા ગુમાવી રહ્યા છે.

7 પરંતુ અમે દેવના રહસ્યપૂર્ણ જ્ઞાન વિષે કહીએ છીએ કે જે જ્ઞાન લોકોથી છુપાવવામાં આવ્યું હતું. દેવે આ જ્ઞાન આપણા જ મહિમા માટે આયોજિત કરેલું. જગતનાં પ્રારંભ પૂર્વેથી દેવે આ યોજના કરેલી.

8 આ જગતના કોઈ પણ અધિકારીઓ આ શાણપણનો પાર પામી શક્યા નથી. જો તેઓ તે સમજી શક્યા હોત, તો તેઓ પ્રભુને વધસ્તંભે ન જડત.

9 પરંતુ જે રીતે શાસ્ત્રમાં લખ્યું છે તે રીતે, “નથી આંખે જોયું, નથી કાને સાભળ્યું, નથી કોઈ વ્યક્તિએ કલ્પના કરી કે તે લોકો જેઓ તેને પ્રેમ કરે છે તેમના માટે દેવે શું તૈયાર કર્યુ છે.”

10 પરંતુ દેવે બધી બાબતો આપણને આત્મા દ્વારા દર્શાવી છે. આત્મા આ બધી બાબતો જાણે છે. આત્મા તો દેવનાં ઊડા રહસ્યોને પણ જાણે છે.

11 તે આ પ્રમાણે છે: કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિના વિચારો જાણી શક્તી નથી. ફક્ત તે વ્યક્તિમાં રહેલો આત્મા જ તે વિચારો જાણી શકે છે. દેવ સાથે પણ આમ જ છે. દેવના વિચારો કોઈ જાણી શકતું નથી. ફક્ત દેવનો આત્મા જ તે વિચારો જાણે છે.

12 જગતના આત્માને તો આપણે પ્રાપ્ત કરી શક્યા નથી, પરંતુ દેવ તરફથી પ્રાપ્ત થયેલા આત્માને આપણે મેળવ્યો છે. આપણે આ આત્મા પ્રાપ્ત કર્યો છે, તેથી દેવે આપેલી વસ્તુઓને આપણે જાણી શકીએ છીએ.

13 જ્યારે અમે આ વાતો કહીએ છીએ ત્યારે અમે મનુષ્યે શીખવેલા શબ્દો વાપરતા નથી. અમે આત્માએ શીખવેલા શબ્દો વાપરીએ છીએ. અમે આત્મિક બાબતો સમજાવવા આત્મિક શબ્દો વાપરીએ છીએ.

14 જે વ્યક્તિ આત્મિક નથી તે દેવના આત્મા તરફથી આવતી બાબતોનો સ્વીકાર કરતી નથી. તે વ્યક્તિ તે બધી બાબતો મૂર્ખામી ભરેલી ગણે છે. તે વ્યક્તિ આત્માની બાબતો સમજી શકતી નથી, કારણ કે તે બાબતો આધ્યાત્મિક રીતે જ મૂલવી શકાતી હોય છે.

15 પરંતુ આધ્યાત્મિક મનુષ્ય પ્રત્યેક બાબતોની મૂલવણી કરવા માટે સક્ષમ હોય છે. બીજા લોકો તેને મૂલવી શક્તા નથી.

16 શાસ્ત્રલેખ કહે છે કે: “પ્રભુનું મન કોણ જાણી શકે? પ્રભુએ શું કરવું તે કોણ તેને કહી શકે?” પરંતુ આપણી પાસે ખ્રિસ્તનું મન છે.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan