Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ કાળવૃત્તાંત 19 - પવિત્ર બાઈબલ


દાઉદનું આમ્મોનીઓ સાથે યુદ્ધ

1 થોડા સમય પછી આમ્મોનીઓના રાજાનું અવસાન થયું. એટલે તેના પછી તેના પુત્રને રાજા બનાવાયો.

2 દાઉદે વિચાર્યું, “નાહાશે મારા પ્રત્યે દાખવ્યો હતો તેવો સદૃભાવ મારે તેના પુત્ર હાનૂન પ્રત્યે રાખવો જોઇએ.” તેથી દાઉદે હાનૂનના પિતાના મૃત્યુનું આશ્વાસન આપવા માણસો મોકલી આપ્યા. પણ જ્યારે દાઉદના માણસો હાનૂન પાસે આશ્વાસન આપવા આમ્મોન પહોંચ્યા.

3 ત્યારે આમ્મોની સરદારોએ હાનૂનને કહ્યું, “તમે શું એમ માનો છો કે, તમારા પિતાને માન આપવાના હેતુથી દાઉદે આ માણસોને આશ્વાસન આપવા મોકલ્યા છે? એ માણસો તો તેના જાસૂસો છે અને આ દેશને શી રીતે જીતી લેવો એની બાતમી મેળવવા આવ્યા છે.”

4 આથી રાજા હાનૂને રાજા દાઉદનાં રાજદૂતોનું અપમાન કર્યુ. તેઓની દાઢી અડધી મૂંડાવી નાખી અને તેઓનો પોષાક મધ્યમાંથી કાપી નાખ્યો જેના કારણે તેઓના શરીર ઉઘાડાં દેખાય. પછી તેણે તેઓને શરમજનક સ્થિતિમાં દાઉદ પાસે પાછા મોકલ્યા.

5 જ્યારે કેટલાક લોકોએ દાઉદને ખબર આપી કે તેમના માણસોના શા હાલ કરવામાં આવ્યા છે, ત્યારે તેણે તેમને મળવા માણસો મોકલ્યા, કારણ, તેઓ ખૂબ શરમાતા હતા, દાઉદે તેમને કહેવડાવ્યું કે, “તમારી દાઢી પાછી ઊગે ત્યાં સુધી યરીખોમાં રહેજો, પછી જ અહીં આવજો.”

6 જ્યારે આમ્મોનીઓને ભાન થયું કે તેઓ દાઉદની નજરમાં ધિક્કારપાત્ર બન્યા હતા, હાનૂન અને આમ્મોનીઓએ, અરામ નાહરાઇમમાંથી, અરામ-માઅખાહમાંથી અને સોબાહમાંથી રથો તેમજ અશ્વદળો ભાડેથી મેળવવા માટે 34,000 કિલો ચાંદી મોકલી આપી.

7 તેણે 32,000 રથો ભાડે રાખ્યા અને માઅખાહના રાજા તથા તેના સમસ્ત સૈન્યનો પગાર ચૂકવી આપવા ગોઠવણ કરી. આ સર્વ સૈન્યે મેદૃબા આગળ છાવણી નાખી. જે આમ્મોનીઓ પોતપોતાના શહેરમાંથી ભેગા થયા હતા તેઓ ત્યાં તેમની સાથે જોડાયા.

8 દાઉદને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેણે યોઆબને પોતાના શૂરવીરો અને આખી સૈના સાથે મોકલી આપ્યો.

9 આમ્મોનીઓ બહાર આવીને શહેરના દરવાજા આગળ ગોઠવાઇ ગયા અને તેમની મદદે આવેલા રાજાઓ ખુલ્લા મેદાનમાં ચાલ્યા ગયા.

10 જ્યારે યોઆબે જોયું કે, પોતાના પર આગળપાછળથી બંને બાજુએથી હુમલો થવાનો છે. ત્યારે તેણે ઇસ્રાએલના ચુનંદા લડવૈયાઓને પસંદ કરીને અરામીઓની સામે ગોઠવી દીધા.

11 બાકીનું સૈન્ય તેણે પોતાના ભાઇ અબીશાયની સરદારી હેઠળ મૂકી દીધું. અને તેમણે આમ્મોનીઓની સામે મોરચો માંડ્યો.

12 યોઆબે તેના ભાઇને કહ્યું, “જો અરામીઓ મારા પર વિજયી થાય, તો તું આવીને મને મદદ કરજે અને જો આમ્મોનીઓ તારા પર વિજય પામે તો, હું આવીને તને મદદ કરીશ.

13 હિમ્મતવાન થા અને પુરુષાતન દેખાડ કે, આપણે દેવનાં નગરો અને આપણા લોકોનો બચાવ કરીએ. યહોવાને જે શ્રેષ્ઠ લાગે તે કરે.”

14 જ્યારે યોઆબ અને તેના માણસો અરામીઓ સામે યુદ્ધ કરવા આગળ વધ્યા ત્યારે અરામીઓ ભાગવા લાગ્યા.

15 અને આમ્મોનીઓએ તેમને ભાગતા જોયા એટલે તેઓ પણ અબીશાયથી ભાગીને શહેરમાં ભરાઇ ગયા. પછી યોઆબ પાછો યરૂશાલેમ આવી ગયો.

16 અરામીઓ સમજી ગયા કે પોતે ઇસ્રાએલીઓને હાથે હાર ખાધી છે. એટલે તેમણે સંદેશાવાહકો મોકલીને નદી પારના બીજા અરામીઓને હદારએઝેરના સેનાપતિ શોફાખની આગેવાની હેઠળ બોલાવી લીધા.

17 આ સમાચાર મળતાં જ દાઉદે ઇસ્રાએલની આખી સૈના ભેગી કરી યર્દન નદી ઓળંગીને તેમની સામે મોરચો માંડ્યો. યુદ્ધ શરૂ થયું અને ઇસ્રાએલીઓએ અરામીઓને ભગાડી મૂક્યાં.

18 અરામીઓ ફરીથી ઇસ્રાએલીઓ આગળથી નાસવા લાગ્યા. દાઉદે અરામના 7,000 સૈનિકો અને 40,000 બીજા સૈનિકોને મારી નાખ્યા. અરામના સૈન્યના સેનાપતિ શોફાખને પણ તેણે મારી નાખ્યો.

19 જ્યારે હદારએઝેરના માણસોએ જોયું કે, તેમણે ઇસ્રાએલીઓને હાથે હાર ખાધી છે. ત્યારે તેમણે દાઉદ સાથે સુલેહ કરી અને તેની શરણાગતિ સ્વીકારી. ત્યારબાદ અરામીઓ આમ્મોનીઓની મદદ કરવા રાજી નહતા.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan