૧ કાળવૃત્તાંત 16 - પવિત્ર બાઈબલ1 દાઉદે બાંધેલા નવા મંડપમાં દેવનો કોશ લાવવામાં આવ્યો અને દેવની સમક્ષ દહનાર્પણ અને શાંત્યર્પણ ચઢાવ્યાં. 2 અર્પણોની વિધિ પૂરી થઇ પછી દાઉદે યહોવાના નામે લોકોને આશીર્વાદ આપ્યા. 3 પછી તેણે હાજર રહેલી પ્રત્યેક ઇસ્રાએલી વ્યકિતને, સ્ત્રી તથા પુરુષને સમાન રીતે માંસનો કટકો, સૂકી દ્રાક્ષાનો અકેક ઝૂમખો તથા એક એક ભાખરી વહેંચી આપી. 4 યહોવાના કોશ સમક્ષ સેવા કરવા, યાજક તરીકે ઇસ્રાએલના યહોવા દેવની સેવા કરવા, લોકોને તેના વિષે યાદ દેવડાવવા માટે અને તેની સતત આભારસ્તુતિ કરવા; દાઉદે કેટલાંક લેવીઓને નિમ્યા. 5 આસાફ આગેવાન હતો અને ઝાંઝ વગાડતો હતો. ઝખાર્યા, યઅઝીએલ, શમીરામોથ, યહીએલ, માત્તિથ્યા, અલીઆબ, બનાયા, ઓબેદ-આદોમ અને યેઇએલ સિતાર અને વીણા વગાડતા હતા. 6 યાજકો બનાયા અને યાહઝીએલને યહોવાના દેવના કોશ સમક્ષ આખો વખત ચાંદીનું રણશિંગુ તે સમયે વગાડવાનુ હતું, 7 જ્યારે દાઉદે આસાફ અને તેના કુટુંબીજનોને યહોવાની સ્તુતિ કરવા માટે લોકોને દોરવા માટે કહ્યું. દાઉદની આભારસ્તુતિ 8 યહોવાના નામની ઘોષણા કરો અને તેઓનો ધન્યવાદ માનો. પ્રજાઓ માટેના તેના અદભુત કાર્યોની સ્તુતિ ગાઓ. 9 એના ગુણ-ગાન ગાઓ, અને તેની સ્તુતિગાન કરો. તેના સર્વ અદભૂત કાર્યો વિષે વાતો કરો. 10 તમે તેના પવિત્ર નામથી ગવિર્ષ્ઠ થાઓ, તમે યહોવાના ભકતો, આનંદો! 11 યહોવાને અને તેના સાર્મથ્યને તમે શોધો. સદાસર્વદા તેના મુખને શોધો. 12 એનાં અનુપમ કાર્યો, એના મુખનાં ન્યાયવચનો અને ચમત્કારને યાદ કરો. 13 તમે યહોવાના દાસ, ઇસ્રાએલના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો જેને તેમણે પસંદ કર્યા છે. 14 તે આપણા યહોવા દેવ છે. તેનો ન્યાય સમગ્ર પૃથ્વી પર છે. 15 જે આજ્ઞા, તેણે હજારો પેઢીઓને આપી હતી, તે કરારને તમે સદાકાળ યાદ રાખજો. 16 તેણે ઇબ્રાહિમની સાથે જે કરાર કર્યો અને તેણે ઇસહાકને જે વચન આપ્યું. 17 યાકૂબને માટે એ જ વચન નિયમ તરીકે અને ઇસ્રાએલને માટે સદાકાળના કરાર તરીકે રહેશે. 18 તેણે કહ્યું, “હું તને આ કનાન દેશ આપીશ. તે તારી પોતાની જ માલિકીની ભૂમિ બની રહેનાર છે.” 19 તે સમયે તમે સંખ્યામાં થોડાજ હતા. છેક થોડાંજ, ને પાછા તમે પારકા હતા. 20 એક દેશથી બીજે, ને એક પ્રજામાંથી બીજી પ્રજામાં તેઓ ભટક્યા કરતા હતા. 21 છતાઁ યહોવાએ કોઇ અત્યાચાર થવા દીધો નહિ, એમને માટે તેણે રાજાઓને શિક્ષા કરી. 22 “મારા અભિષિકતોને કોઇ અડશો નહિ, મારા પ્રબોધકોને કોઇ ઉપદ્રવ કરશો નહિ.” 23 સૌ પૃથ્વીવાસી, યહોવાનાઁ ગુણગાન કરો, દિનપ્રતિદિન સૌ તેના વિજયગાન ગાઓ. 24 દેશવિદેશમાં લોકો સમક્ષ તેના ગૌરવ અને મહિમાની વાત કરો. એમની અદ્ભૂત પરાક્રમ-ગાથા સંભળાવો. 25 યહોવા, પરમ સ્તુત્ય ને મહાન છે, એ સર્વ દેવો કરતાં ભયાવહ છે. 26 સર્વ લોકોના દેવ તો કેવળ મૂર્તિઓ છે! પરંતુ યહોવાએ તો આકાશો બનાવ્યાઁ છે. 27 યહોવાની આજુબાજુ ઝળહળ પ્રકાશની આભા છે, તેનો આવાસ આનંદથી ભરેલો છે. 28 તમે બધી પ્રજાઓ, યહોવાના ગૌરવ અને સાર્મથ્ય વિષે બોલો. 29 યહોવાના નામનું ગૌરવ કરો; તમે તેની સમક્ષ અર્પણ લઇ આવો, તમે શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને તેના ચરણોમાં તમારું માથુ નમાવો. 30 સમગ્ર પૃથ્વી તેની સમક્ષ થથરે છે, અને એણે સ્થાપિત કરેલું જગ સદા અચલ રહે છે. 31 ભલે આકાશો આનંદ કરે, ને પૃથ્વી હરખાય. “યહોવા રાજા છે” એવી ઘોષણા ભલે પ્રજાઓમાં થાય. 32 સમુદ્ર તથા તેમાં જે છે તે ગર્જના કરે છે, ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે છે. 33 અરણ્યાનાં વૃક્ષો યહોવા સમક્ષ હર્ષનાદ કરશે, કારણકે તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. 34 યહોવાનો આભાર માનો કારણ કે તે ભલા છે, તેની કૃપા હંમેશ માટે રહે છે. 35 બોલો, “હે દેવ અમને તારણ કરનાર, તમે અમારો ઉદ્ધાર કરો, બીજી પ્રજાઓથી અમારી રક્ષા કરો અને અમને એકત્રિત કરો. અમે સહુ તમારા પવિત્ર નામનો આભાર માનીશું; અમે તમારી સ્તુતિ ગાવા માટે ગૌરવ લઇશું.” 36 હે યહોવા, ઇસ્રાએલના દેવ, અનાદિકાળથી તે અનંતકાળ પર્યંત તમે સ્તુત્ય થાઓ. સર્વ લોકોએ “આમીન” કહીને યહોવાની સ્તુતિ કરી. 37 ત્યાર પછી દાઉદે યહોવાની સામે કોશની સેવા કરવા માટે આસાફની અને તેના કુટુંબીઓની કાયમ માટે નિમણૂંક કરી. 38 ઓબેદ-અદોમ જે યદૂથૂનનો પુત્ર હતો તે અને હોસાહને તેઓના અડસઠ સબંધીઓને દ્વારપાળો તરીકે નીમવામાં આવ્યાં. 39 યાજક સાદોક અને તેના યાજકોના કુટુંબને ગિબયોનની ટેકરી પર આવેલા યહોવાના મંડપની સેવામાં મૂક્યા. 40 તેમણે યહોવાએ ઇસ્રાએલ માટે ફરમાવેલી સંહિતામાં કહ્યા પ્રમાણે દરરોજ સવારે અને સાંજે યજ્ઞવેદી પર યહોવાને દહનાર્પણ ચઢાવવાનું હતું. 41 તેમની સાથે તેણે હેમાન અને યદૂથૂનને તેમ જ યહોવાની શાશ્વત કરુણા બદલ તેનાં સ્તવનગાન કરવા માટે ખાસ પસંદ કરેલા બીજા માણસોને મૂક્યા. 42 એમણે અને યદૂથૂને ચાંદીના રણશિંગડાં, ઝાંઝ અને ભજન સાથે વગાડવાનાં અન્ય વાજિંત્રો દેવ સમક્ષ વગાડવાના હતા. યદૂથૂનના પુત્રોને દ્વારપાળનું કામ સોંપવામા આવ્યું હતું. 43 પછી બધા સૌ સૌને ઘેર ચાલ્યા ગયા અને દાઉદ પોતાના કુટુંબને આશીર્વાદ આપવા પાછો આવ્યો. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International