Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ કાળવૃત્તાંત 15 - પવિત્ર બાઈબલ


યરૂશાલેમમાં કરારકોશની સ્થાપના

1 યરૂશાલેમમાં દાઉદે દાઉદનગરમાં પોતાના માટે આવાસ બાંધ્યા અને “દેવના કોશ” માટે નવો મંડપ બંધાવ્યો.

2 ત્યારપછી તેણે કહ્યું, “ફકત લેવીઓએ જ દેવનો કોશ ઊંચકવો. કારણકે તેમનો કોશ ઊંચકવા માટે તથા તેમની સેવા કરવા માટે યહોવાએ તેઓને પસંદ કર્યા છે.”

3 તેથી યહોવાના કોશને માટે યરૂશાલેમમાં તૈયાર કરેલી જગ્યાએ તેને લઇ જવા માટે તેણે સર્વ ઇસ્રાએલીઓને ભેગા કર્યા.

4 વળી તેણે હારુનના વંશજોને તથા લેવીઓને પણ ભેગા કર્યા.

5 કહાથના કુલમાંથી ઉરીએલની આગેવાની હેઠળ તેના 120 કુટુંબીઓ,

6 મરારીના કુલસમૂહમાંથી અસાયાની આગેવાની હેઠળ તેના 220 માણસો હતા.

7 ગેશોર્મના કુલસમૂહમાં મુખ્ય યોએલ, તથા તેના ભાઇઓ 130;

8 અલીસાફાનના કુલસમૂહમાંથી શમાયાની આગેવાની હેઠળ તેના 200 કુટુંબીઓ.

9 હેબ્રોનના કુલસમૂહમાંથી અલીએલની આગેવાની હેઠળ તેના 80 કુટુંબીઓ;

10 અને ઉઝઝીએલના કુલમાંથી આમ્મીનાદાબની આગેવાની હેઠળ તેના 112 કુટુંબીઓ આવ્યા.


લેવીઓ અને યાજકો સાથે વાત કરતો દાઉદ

11 ત્યારબાદ દાઉદે યાજકો સાદોક અને અબ્યાથારને તથા લેવી આગેવાનો ઉરીએલ, યસાયા, યોએલ, શમાયા, અલીએલ, અને આમ્મીનાદાબને તેડાવ્યા.

12 અને કહ્યું, “તમે લેવી વંશના કુલસમૂહોના આગેવાનો છો. તમે અને તમારા કુટુંબીઓ તમારી જાતને પવિત્ર કરીને ઇસ્રાએલના દેવ યહોવાના કોશને મેં તેને માટે તૈયાર કરેલા મંડપમાં લઇ આવજો.

13 તમે પહેલી વખતે ઉપાડ્યો નહિ માટે યહોવા આપણા દેવ આપણા પર ક્રોધે ભરાયા, કારણ આપણે તેની સૂચના પ્રમાણે તેને પકડયો નહોતો.”

14 તેથી યાજકોએ અને લેવીઓએ ઇસ્રાએલના દેવ યહોવાના કોશને લઇ આવવા માટે પોતાની જાતને પવિત્ર કરી.

15 યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે લેવીઓએ દેવના કોશના દાંડા પોતાના ખભા પર મૂકીને તેને ઊંચક્યો.


ગાયકો

16 પછી દાઉદે લેવીઓના આગેવાનોને તેમના અમુક કુટુંબીઓની વીણા, સિતાર, અને ઝાંઝ વગાડી આનંદના ગીતો મોટે સ્વરે ગાવા માટે નિમણૂક કરવા કહ્યું.

17 આથી લેવીઓએ નીચેના સંગીતકારોની નિંમણૂક કરી; હેમાન-યોએલનો પૂત્ર, આસાફ-બેરેખ્યાનો પુત્ર અને મરારીના કુટુંબમાંથી કૂશાયાનો પુત્ર એથાન.

18 તથા તેઓના મદદનીશ તરીકે પસંદ થયેલાઓની યાદી: ઝખાર્યા, બની, યઅઝીએલ, શમીરામોથ, અહીએલ, ઉન્ની, અલીઆબ, બનાયા, માઅસેયા, માત્તિથ્યા, અલીફલેહૂ, મિકનેયા, અને દ્વારપાળો ઓબેદ-અદોમ ને યેઇએલ.

19 આ સંગીતકારોમાંથી હેમાન, આસાફ અને એથાને કાંસાનાં ઝાંઝ વગાડવાના હતા;

20 ઝખાર્યા અઝીએલ, શમીરામોથ, યહીએલ, ઉન્ની, અલીઆબ, માઅસેયા અને બનાયાએ “આલામોથ”ના સૂર પ્રમાણે વીણા વગાડવાની હતી;

21 અને માત્તિથ્યા, અલીફલેહૂ મિકનેયા, ઓબેદ, અદોમ, યેહિએલ અને અઝાઝયાએ “સેંમીનીથ” ના સૂર પ્રમાણે સિતાર વગાડવાની હતી.

22 લેવીઓનો એક આગેવાન કનાન્યા રાગરાગણીની તાલીમ આપતો હતો અને ગવૈયાનો ઉસ્તાદ હતો; તેથી તેને આ બધાનો ઉપરી નિમવામાં આવ્યો.

23 બેરખ્યા એલ્કાનાહને કોશના દ્વારપાળ તરીકે સેવા આપવાની હતી.

24 અને યાજકો, શબાન્યા, યોશાફાટ, નથાનએલ, અમાસાઇ, ઝખાર્યા, બનાયાર અને અલીએઝેરને દેવના કોશ સમક્ષ ચાંદીના રણશિંગા વગાડવાના હતા અને ઓબેદ-અદોમ અને યહિયાએ પણ કોશના દ્વારપાળ તરીકે સેવા આપવાની હતી.

25 દાઉદ, ઇસ્રાએલના વડીલો અને સૈન્યના ઉચ્ચ અમલદારો ઓબેદ-અદોમના ઘરમાંથી યહોવાના કરાર કોશને બહુ આનંદ અને ઉલ્લાસ સાથે યરૂશાલેમ લઇ આવવા માટે ગયા.

26 યહોવાના કરારકોશ ઊંચકનારા લેવીઓને જ્યારે દેવે સહાય કરી ત્યારે તેઓએ તેને સાત બળદો તથા સાત ઘેટાનું અર્પણ કર્યું.

27 કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકગણના સભ્યો અને ગાયકગણના આગેવાન કનાન્યાએ શણના ઝભ્ભા પહેર્યા હતા. દાઉદે પણ શણનો એફોદ પહેર્યો હતો.

28 આમ સર્વ ઇસ્રાએલી લોકો હર્ષનાદ કરતા, શરણાઇ રણશિંગડા, ઝાંઝ, સિતાર, વીણા વગાડી મોટી ગર્જના કરતા કરતા યહોવાના કરારકોશ લઇ આવ્યા.

29 જ્યારે કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી જોયું, તો રાજા દાઉદ આનંદમાં આવીને નાચતો હતો. અને એ જોઇને તેના દિલમાં રાજા પ્રત્યે ધૃણા થઇ.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan