૧ કાળવૃત્તાંત 10 - પવિત્ર બાઈબલરાજા શાઉલનું મૃત્યુ 1 પલિસ્તીઓ ઇસ્રાએલીઓ સામે ગિલ્બોઆના ડુંગર પર યુદ્ધે ચઢયા. ઘણા ઇસ્રાએલીઓ માર્યા ગયા અને બાકી રહ્યા તે ભાગી ગયા. 2 પછી પલિસ્તીઓએ શાઉલનો અને તેના પુત્રો યોનાથાન, અબીનાદાબ અને માલ્કીશૂઆનો પીછો પકડ્યો અને ત્રણે પુત્રોને મારી નાખ્યા. 3 શાઉલની આસપાસ ખૂંખાર યુદ્ધ મચ્યુ હતું, અને કેટલાંક તીરંદાજોએ તેની પાસે પહોંચી જઇ તેને સખત ઘાયલ કર્યો. 4 ત્યારે શાઉલે જે માણસ તેના બાણ ઉપાડી રહ્યો હતો તેને કહ્યું, “તારી તરવાર કાઢી મને વીંધી નાખ; નહિ તો આ બે સુન્નતી માણસો આવીને મારી હાંસી ઉડાવશે,” પરંતુ બખ્તર ઉપાડનારની હિંમત ચાલી નહિ એટલે તેણે ના પાડી. આથી શાઉલે પોતે તરવાર ખેંચીને તેની ધાર પર પડતું મુક્યું 5 શાઉલને મૃત્યુ પામેલો જોઇને બખ્તર ઉપાડનાર પણ પોતાની તરવાર પર પડતું મુકી મોતને ભેટયો. 6 આમ શાઉલ અને તેના ત્રણ પુત્રો એક સાથે મૃત્યુ પામ્યા અને તેના વંશનો અંત આવ્યો. 7 ખીણમાં વસતા સર્વ ઇસ્રાએલીઓએ જ્યારે જોયું કે ઇસ્રાએલી સેના ભાગી ગઇ છે અને શાઉલ અને તેના પુત્રો મૃત્યુ પામ્યા છે, ત્યારે તેઓ પોતાનાં ગામો છોડીને ચાલ્યા ગયા. પછી પલિસ્તીઓએ આવીને તેમાં વસવાટ કર્યો. 8 બીજે દિવસે પલિસ્તીઓએ યુદ્ધમાં મૃત્યુ પામેલાઓના શરીરો પરથી લૂંટ ભેગી કરવા પાછા ગયા, ત્યારે તેઓએ શાઉલ અને તેના પુત્રોના શબ જોયાં. 9 તેઓએ શાઉલનું બખ્તર ઉતારી લીધું અને તેનું માથું કાપી નાખ્યું. પછી સમગ્ર દેશમાં વધામણી આપવા સંદેશાવાહકો મોકલ્યા અને તેઓની મૂર્તિઓ આગળ ઉજવણી કરી. 10 શાઉલના બખ્તરને તેઓએ પોતાના દેવના મંદિરમાં લટકાવ્યું. દાગોનના મંદિરમાં ભાલા પર તેનું માથું મુક્યું. 11 પલિસ્તીઓએ શાઉલના આ હાલ કર્યા છે એની જાણ યાબેશ-ગિલયાદના લોકોને થઇ. 12 ત્યારે ત્યાંના બધા યોદ્ધાઓ શાઉલ અને તેના પુત્રના શબ શોધવા નીકળી પડ્યા અને તેઓએ તેમને પાછાં લઇ આવી યાબેશમા એક એલોન ઝાડ નીચે તેમનાં અસ્થિ દફનાવ્યાં, અને પછી તેઓએ સાત દિવસના ઉપવાસ કર્યા. 13 શાઉલને મરવું પડ્યું કારણ, તે યહોવાને બેવફા નીવડ્યો હતો, તેણે યહોવાની આજ્ઞા માની નહોતી અને યહોવાને પ્રશ્ર્ન કરવાને બદલે મેલીવિદ્યા જાણનારની સલાહ લીધી. 14 આથી યહોવાએ તેનો વધ કર્યો અને તેનું રાજ્ય યશાઇના પુત્ર દાઉદને સોંપી દીધું. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International