Biblia Todo Logo
Online Bible

- Advertisements -


યર્મિયા 4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


પસ્તાવા માટે હાકલ

1 યહોવાહ કહે છે, હે ઇઝરાયલ, જો તું ફરે તો મારી પાસે પાછો આવ. તારી ધિક્કારપાત્ર વસ્તુઓ મારી નજર આગળથી દૂર કર અને ફરી મારાથી દૂર જઈશ નહિ.

2 અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, ‘યહોવાહ જીવે છે, એવા સમ ખાઈશ; તો સર્વ પ્રજાઓ તેમનામાં પોતાને આશીર્વાદિત કહેશે અને તેમની સ્તુતિ કરશે.’

3 કેમ કે યહૂદિયાના લોકોને અને યરુશાલેમને યહોવાહ આ પ્રમાણે કહે છે, તમારી પડતર જમીન ખેડો, અને કાંટા ઝાંખરાં વચ્ચે વાવશો નહિ.’”


યહૂદિયા પર હુમલા સામે અગમચેતી

4 હે યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓ યહોવાહને માટે તમે પોતાની સુન્નત કરો. અને પોતાના હૃદયની સુન્નત કરો, નહિ તો તમારા કામની ભૂંડાઈને લીધે મારો કોપ અગ્નિની જેમ પ્રગટે. અને એવો બળે કે કોઈ તેને હોલવી શકે નહિ.

5 આ પ્રમાણે યરુશાલેમમાં અને સર્વ યહૂદિયામાં પોકારીને કહો કે, આખા દેશમાં રણશિંગડું વગાડો. અને પોકારીને કહો કે, “આપણે એકઠા થઈએ” અને ચાલો કિલ્લેબંધ નગરોમાં જઈએ’

6 સિયોન તરફ ધ્વજ ઊંચો કરો, જીવ લઈને ભાગી જાઓ અને વિલંબ કરશો નહિ. કેમ કે હું ઉત્તર તરફથી વિપત્તિ તથા ભયંકર વિનાશ લાવીશ.

7 સિંહ પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે; તે તો પ્રજાઓનો વિનાશક છે. તારા દેશને ઉજ્જડ કરવા માટે તે પોતાના રહેઠાણમાંથી બહાર આવ્યો છે. તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે, તેઓમાં કોઈ રહેવાસી જોવામાં આવશે નહિ.

8 માટે શોકનાં વસ્ત્રો ધારણ કરો, વિલાપ અને રુદન કરો, કેમ કે યહોવાહનો ઉગ્ર કોપ હજુ આપણા પરથી ઊતર્યો નથી.

9 યહોવાહ કહે છે. તે દિવસે રાજાઓ અને અધિકારીઓ ભયને લીધે કાંપશે, યાજકો વિસ્મિત થશે. અને પ્રબોધકો અચંબો પામશે.’

10 તેથી હું બોલ્યો, આહા, પ્રભુ યહોવાહ, ‘તમને શાંતિ થશે.’ એમ કહીને તમે આ લોકને તથા યરુશાલેમને સંપૂર્ણ છેતર્યા છે. અહીં તો તલવાર જીવ સુધી આવી પહોંચી છે.”

11 તે સમયે આ લોકને તથા યરુશાલેમને કહેવામાં આવશે કે, ‘અરણ્યમાં ખાલી ટેકરીઓ પરથી લૂ મારા લોકની દીકરીઓ તરફ આવશે. તે તો ઊપણવાના કે સ્વચ્છ કરવાના ઉપયોગમાં આવશે નહિ.

12 મારી આજ્ઞાથી તે તરફ ખૂબ શક્તિશાળી પવન આવશે. હમણાં હું તેઓને ન્યાયશાસન જણાવીશ.


યહૂદિયા પર હુમલા સામે અગમચેતી

13 જુઓ, તે વાદળાંની જેમ અમારા પર ચઢી આવશે. તેના રથો વંટોળીયા જેવા થશે. તેના ઘોડા ગરુડ કરતાં પણ વેગીલા છે. અમને અફસોસ! કેમ કે અમે લૂંટાઈ ગયા છીએ.

14 હે યરુશાલેમ દુષ્ટતા દૂર કરીને તારું અંત:કરણ શુદ્ધ કર. એટલે તારો ઉદ્ધાર થશે. તારામાં વ્યર્થ વિચારો ક્યાં સુધી રહેશે?

15 કેમ કે દાનથી વાણી સંભળાય છે. અને એફ્રાઇમના પર્વતો પરથી વિપત્તિ પ્રગટ કરવામાં આવે છે.

16 દેશના લોકોને જાણ કરો. જુઓ, યરુશાલેમને ચેતવણી આપો કે દૂર દેશથી ઘેરો ઘાલનારા આવે છે. તેઓ યહૂદિયાનાં નગરો સામે યુદ્ધનાદો કરે છે.

17 ખેતરના રખેવાળોની જેમ તેઓ ચારે તરફ પડાવ નાખે છે કેમ કે તેઓએ મારી વિરુદ્ધ બંડ પોકાર્યું છે. એમ યહોવાહ કહે છે.

18 તારા પોતાના વર્તન અને કાર્યોને કારણે આ બધું તારા પર વીત્યું છે. આ તારી દુષ્ટતા છે. અને ખરેખર તે કડવી છે, તે તારા હૃદયને વીંધી નાખે છે.


યર્મિયાનું આક્રંદ

19 અરે મારું હૈયું! મારું હૈયું! મારા અંતરમાં જ દુઃખ થાય છે. મારી છાતી કેવી ધડકે છે! હું શાંત રહી શકતો નથી, કારણ કે મેં રણશિંગડાનો ધ્વનિ સાંભળ્યો છે.

20 સંકટ પર સંકટ આવે છે, દેશ આખો ખેદાન મેદાન થઈ ગયો છે. તેઓએ મારા તંબુ અને મારા પવિત્રસ્થાનને વેરાન કર્યું છે.

21 હું ક્યાં સુધી ધ્વજા જોઈશ? ક્યાં સુધી રણશિંગડાનો સાદ સાંભળીશ?

22 મારા લોકો મૂર્ખ છે. તેઓ મને ઓળખતા નથી, તેઓ મૂર્ખ છોકરાં છે. તેઓને કશી સમજ નથી. તેઓ ભૂંડું કરી જાણે છે. પરંતુ ભલું કરી જાણતાં નથી.


આવી રહેલ વિનાશની આગાહી

23 મેં પૃથ્વીને જોઈ તે ખાલી હતી! અને આકાશોને જોયાં, તો તેઓમાં અજવાળું નહોતું.

24 મેં પર્વતો તરફ જોયું, તો જુઓ, તેઓ ધ્રૂજતા હતા. બધા ડુંગરો થરથરતા હતા.

25 મેં જોયું, તો જુઓ, કોઈ મનુષ્ય દેખાતું નહોતું. આકાશના પક્ષીઓ સુદ્ધાં ઊડી ગયાં હતાં.

26 મેં જોયું, તો જુઓ, રસાળ ભૂમિ વેરાન થઈ ગઈ હતી અને યહોવાહની સમક્ષ તેના ભારે કોપને લીધે, બધાં નગરો પાયમાલ થયાં હતાં.

27 કેમ કે યહોવાહ કહે છે કે, આખો દેશ ઉજ્જડ થઈ જશે પણ હું તેનો સંપૂર્ણ નાશ નહિ કરું.

28 આ કારણથી પૃથ્વી શોક કરશે. અને ઉપરનાં આકાશ અંધકારમય બની જશે. કેમ કે હું તે બોલ્યો છું; હું તે વિષે પશ્ચાતાપ કરીશ નહિ; અને તેમાંથી ડગનાર નથી.

29 ઘોડેસવાર અને ધનુર્ધારીઓના અવાજ સાંભળી નગરમાંના સર્વ લોકો નાસે છે, તેઓ ઝાડીઓમાં ભરાઈ જાય છે; તથા ખડકો પર ચઢી જાય છે. સર્વ લોક નગરોને તજે છે. તેઓમાં કોઈ વસનાર નથી.

30 હેં લૂંટાયેલી તું હવે શું કરીશ? તું કિરમજી વસ્ત્રો પહેરે અને સોનાનાં ઘરેણાં પહેરીને પોતાને શણગારે, અને કાજળ લગાવીને તારી આંખોને આંજે તોપણ તું પોતાને ફોગટ શોભિત કરે છે. તારા પ્રેમીઓ તારો ધિક્કાર કરે છે અને તારો વિનાશ કરવાનું ઇચ્છે છે.

31 સિયોનની દીકરીનો સાદ મેં સાંભળ્યો છે. એ તો પ્રસૂતાની વેદના જેવો તથા તેના પહેલા બાળકને જન્મ આપતાં કષ્ટાતી સ્ત્રીનાં જેવો સાદ છે. તેઓ હાંફે છે તેઓ પોતાના હાથ પ્રસારે છે અને કહે છે કે, ‘મને અફસોસ!’ કેમ કે ઘાતકીઓને લીધે મારો જીવ ચિંતાતુર થઈ ગયો છે.’”

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Follow us:



Advertisements