Biblia Todo Logo
Online Bible

- Advertisements -


યર્મિયા INTRO1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1

પ્રસ્તાવના :
યર્મિયા પ્રબોધક ઇ.પૂર્વે સાતમી સદીના ઉત્તરાર્ધમાં અને છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયો. તેણે પોતાની લાંબી પ્રબોધનસેવા દરમિયાન, લોકોને તેઓએ આચરેલી મૂર્તિપૂજા અને અન્ય પાપોને કારણે પ્રજા ઉપર જે મહા આપત્તિ આવી પડનાર હતી તે સંબંધી સતત ચેતવ્યા હતા. તેના હયાતીકાળમાં જ તેનાં ભવિષ્યવચનો પ્રમાણે આ મહા આપત્તિ આવી પડી; બાબિલના રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયા સામે ચઢી આવ્યો, યરુશાલેમનું પતન થયું, મંદિરનો વિનાશ થયો, અને યહૂદિયાના રાજા તેમજ ઘણા બધા લોકોને બાબિલમાં બંદીઓ તરીકે લઈ જવામાં આવ્યા. પણ પાછળથી લોકોને બંદીવાસમાંથી પાછા લાવવામાં આવશે, અને પ્રજાને પોતાના દેશમાં ફરીથી સ્થાપવામાં આવશે, એ વિષે પણ તેણે ભવિષ્યવાણી ઉચ્ચારી હતી.
યર્મિયાના પુસ્તકના આ પ્રમાણે ભાગ પાડી શકાય:(૧) યર્મિયાનું તેડું (૨) યોશિયા, યહોયાકિમ, યહોયાખિન અને સિદકિયા રાજાઓના સમયમાં યહૂદિયાના રાજાઓ, અધિકારીઓ અને પ્રજાને માટે ઈશ્વર તરફથી આવેલા સંદેશા. (૩) યર્મિયાના એક લહિયા બારુખનાં લખાણોમાંથી લીધેલી માહિતી. એમાં યર્મિયાની કેટલીક ભવિષ્યવાણીઓ તથા યર્મિયાના જીવનના કેટલાક અગત્યના પ્રસંગો પણ આલેખેલા છે. (૪) જુદી જુદી પરદેશી પ્રજાઓ સંબંધી ઈશ્વર તરફથી આવેલા સંદેશા. (૫) ઐતિહાસિક પરિશિષ્ટ, જ્યાં યરુશાલેમના પતનનું અને બાબિલમાં બંદીવાસમાં લોકોને લઈ જવામાં આવ્યા તેનું વર્ણન આપવામાં આવ્યું છે.
યર્મિયા લાગણીવાળો માણસ હતો, અને પોતાના લોકોને તે પુષ્કળ ચાહતો હતો, અને તેઓની ઉપર ન્યાયદંડ આવનાર છે એવું જાહેર કરવું તે તેને ખૂબ કપરું લાગતું હતું. ઈશ્વરે તેને પ્રબોધક તરીકે તેડું આપ્યું હતું એટલે કપરો પ્રબોધ કરતાં કરતાં તેને કેવું કષ્ટ થતું હતું તે વિષે તેણે કેટલાક ફકરાઓમાં ઉત્કટ લાગણીભર્યા ઉદગારો વ્યક્ત કર્યા છે. ઈશ્વરનું વચન એના હ્રદયમાં અગ્નિ સમાન હતું-એટલે એ જાહેર કર્યા વગર તે રહી શકે તેમ નહોતું.
સંદેશાઓનાં કેટલાંક વચનો તો યર્મિયાના પોતાના મુશ્કેલીભર્યા સમયની પાર દૂરના સમય માટે હતાં, જેમ કે ઈશ્વર પોતાના લોકોની સાથે નવો કરાર કરશે, અને એ કરાર તેમનાં હ્રદયો પર લખેલો હશે, એટલે પછી કોઈના શીખવ્યા સિવાય તેઓ આપોઆપ તે પ્રમાણે ચાલશે. (૩૧:૩૧-૩૪)
રૂપરેખા :
યર્મિયાનું તેડું ૧:૧-૧૯
યોશિયા, યહોયાકિમ, યહોયાખિન અને સિદકિયા રાજાઓના સમયમાં રજૂ કરેલી ભવિષ્યવાણીઓ ૨:૧-૨૫:૩૮
યર્મિયાના જીવનના પ્રસંગો ૨૬:૧-૪૫:૫
પ્રજાઓ સામેની ભવિષ્યવાણીઓ ૪૬:૧-૫૧:૬૪
વચનો અને આશા સંબંધીના સંદેશા ૪૦:૧-૫૫:૧૩
યરુશાલેમનું પતન ૫૨:૧-૩૪

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Follow us:



Advertisements