ફિલિપ્પીઓ 4 - પવિત્ર બાઇબલ C.L.સૂચનાઓ 1 તેથી મારા ભાઈઓ, તમે મને કેવા પ્રિય છો! હું તમારી કેવી ઝંખના સેવું છું! તમે મને કેવો આનંદી કરો છો અને તમે જ મારું ગૌરવ છો! પ્રિય ભાઈઓ, પ્રભુમાં દૃઢ રહો. 2 યુઓદિયા અને સુન્તુખેને હું આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે તેઓ પ્રભુનાં હોવાથી બન્ને બહેનો એક થવાને યત્ન કરે. 3 મારા વિશ્વાસુ સાથી, મારે તને પણ વિનંતી કરવાની કે આ બંને સ્ત્રીઓને તું મદદ કરજે. કારણ, મારી સાથે તેમજ કલેમેન્ટ અને બીજા સર્વ સહકાર્યકરો, જેમનાં નામ ઈશ્વરે રાખેલા જીવંત લોકોની યાદીના પુસ્તકમાં લખેલાં છે તેમની સાથે શુભસંદેશના પ્રચારકાર્યમાં તેમણે સખત પરિશ્રમ કર્યો હતો. 4 તમે સર્વદા પ્રભુમાં આનંદી રહો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. 5 બધા પ્રત્યે સહનશીલતા દાખવો, પ્રભુ નિકટ છે. 6 કોઈ બાબતની ચિંતા ન કરો. પણ તમારી સર્વ પ્રાર્થનાઓમાં, ઈશ્વરને તમારી જરૂરિયાતો માટે આભારી અંત:કરણ સાથે વિનંતી કરો. 7 અને ઈશ્વરની શાંતિ જે માણસની સમજશક્તિની બહાર છે, તે તમારાં હૃદયોની અને મનોની ખ્રિસ્ત ઈસુમાં સંભાળ રાખશે. 8 અંતમાં, મારા ભાઈઓ, સાચી, ઉમદા, ન્યાયી, શુદ્ધ, પ્રેમાળ અને સન્માનનીય એવી સારી ને સ્તુતિપાત્ર બાબતોનો વિચાર કરો. 9 મારા શબ્દો અને મારા કાર્યની મારફતે તમે જે મારી પાસેથી શીખ્યા ને મેળવ્યું તેને વ્યવહારમાં ઉતારો અને આપણને શાંતિ આપનાર ઈશ્વર તમારી સાથે રહેશે. 10 પ્રભુમાં મારું જે જીવન છે તેમાં મને ખૂબ આનંદ થાય છે કે તમે મારી સંભાળ રાખો છો તે બતાવવાની ઘણા વખત પછી તમને ફરીથી તક મળી છે. તમે મારી ચિંતા રાખવાનું મૂકી દીધું હતું એમ હું નથી કહેતો, પણ મારી કાળજી લેવાની તમને તક મળી ન હતી. 11 મને તંગી પડી છે માટે હું બોલું છું એમ નથી, કારણ, મારી પાસે જે હોય તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું. 12 તંગીમાં તેમજ સમૃદ્ધિમાં રહેવાનું હું શીખ્યો છું. હું આ રહસ્ય પણ શીખ્યો છું: હું ધરાયેલો હોઉં કે ભૂખ્યો હોઉં, મારી પાસે થોડું હોય કે ઘણું હોય, તો પણ તેથી સર્વ જગ્યાએ અને સર્વ સમયે હું સંતોષથી રહી શકું છું. 13 ખ્રિસ્ત મને સામર્થ્ય આપે છે અને તેથી હું સઘળું કરી શકું છું. 14 પણ સારું થયું કે તમે મને મારી મુશ્કેલીઓમાં મદદ કરી. 15 ઓ ફિલિપીઓ, તમે સારી રીતે જાણો છો કે શુભસંદેશના પ્રચારકાર્યના શરૂઆતના દિવસોમાં જયારે હું મકદોનિયાથી નીકળ્યો ત્યારે માત્ર તમારી જ મંડળીએ મને મદદ કરી હતી. એકલા તમે જ મારા સુખદુ:ખમાં ભાગીદાર થયા હતા. 16 થેસ્સાલોનિક્માં મારે મદદની જરૂર હતી ત્યારે ઘણીવાર તમે મદદ મોકલી આપી હતી. 17 હું માત્ર તમારી પાસેથી ભેટ મેળવવા માગતો ન હતો, પણ તમારા ખાતે તે લાભ ઉમેરાય તે હું જોવા માગતો હતો. 18 મને બધું મળ્યું છે. મારી પાસે પુષ્કળ, બલ્કે જરૂર કરતાં વિશેષ છે. એપાફ્રોદિતસે તમારી સર્વ ભેટ મને આપી છે. એ તો સુવાસિત અર્પણ છે, ઈશ્વરને માન્ય અને પ્રિય એવું બલિદાન છે. 19 અને મારા ઈશ્વર, ખ્રિસ્ત ઈસુમાં તેમની મહિમાવંત સંપત્તિમાંથી તમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડશે. 20 આપણા ઈશ્વરપિતાને સર્વકાળ મહિમા હો. આમીન. અંતિમ શુભેચ્છા 21 ખ્રિસ્ત ઈસુમાંના ઈશ્વરના સર્વ લોકને શુભેચ્છા. મારી સાથે જે ભાઈઓ છે તેઓ પોતાની શુભેચ્છા પાઠવે છે. 22 ઈશ્વરના સર્વ લોક, અને ખાસ કરીને જેઓ રોમન બાદશાહના મહેલનાં છે તેઓ તમને શુભેચ્છા પાઠવે છે. 23 પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે રહો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide