Biblia Todo Logo
Online Bible

- Advertisements -


ફિલિપ્પીઓ 1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઈસુ ખ્રિસ્તની સાથે સંબંધમાં આવેલા ફિલિપીમાં રહેતા ઈશ્વરના સર્વ લોક, મંડળીના આગેવાનો અને મદદનીશોને લખનાર ખ્રિસ્ત ઈસુના સેવકો પાઉલ અને તિમોથી.

2 આપણા ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા અને શાંતિ બક્ષો.


પોતાના વાચકો માટેની પાઉલની પ્રાર્થના

3 જયારે જયારે હું તમારું સ્મરણ કરું છું ત્યારે ત્યારે હું મારા ઈશ્વરનો આભાર માનું છું;

4 અને જયારે હું તમારા સૌ માટે પ્રાર્થના કરું છું ત્યારે મને ખૂબ આનંદ થાય છે.

5 કારણ, શુભસંદેશના પ્રચારમાં પ્રથમ દિવસથી આજ સુધી તમે જે રીતે સહકાર આપ્યો તે મને યાદ આવે છે.

6 મને ખાતરી છે કે તમારામાં સારા કાર્યની શરૂઆત કરનાર ઈશ્વર, ઈસુ ખ્રિસ્તના આગમનના દિવસ સુધી તે કાર્યને સંપૂર્ણ કરતા જશે.

7 તમે સૌ મારા હૃદયમાં વસેલા હોવાથી તમારે વિષે મને આવી લાગણી થાય એ વાજબી છે. મારા હાલના જેલવાસ દરમ્યાન અને જ્યારે શુભસંદેશનો બચાવ કે સમર્થન કરવા હું મુક્ત હતો ત્યારે પણ તમે સૌ કૃપામાં મારા સહભાગી થયા.

8 એ માટે ઈસુ ખ્રિસ્તના હૃદયમાં તમારે માટે જેવો પ્રેમ છે તેવા પ્રેમથી તમારા બધાની હું કેવી ઝંખના રાખું છું તે વિષે ઈશ્વર મારા સાક્ષી છે.

9 તમારે માટે મારી એવી પ્રાર્થના છે કે જ્ઞાનમાં અને સર્વ વિવેકબુદ્ધિમાં તમારો પ્રેમ ઉત્તરોતર વધતો જાય.

10 જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પસંદ કરી શકો અને એમ તમે ખ્રિસ્તના આગમનના દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ;

11 અને ઈશ્વરનાં મહિમા અને સ્તુતિને અર્થે સદ્ભાવનાનાં સારાં ફળ જે માત્ર ઈસુ ખ્રિસ્તની મારફતે જ આવે છે તેથી તમે ભરપૂર થાઓ.


જીવવું તે ખ્રિસ્ત

12 ભાઈઓ, મને પડેલાં દુ:ખો શુભસંદેશના પ્રચારમાં મદદરુપ નીવડયાં છે એ તમે જાણો એવું હું ઇચ્છું છું.

13 હું ખ્રિસ્તનો સેવક હોવાથી જેલમાં છું. એ વાત મહેલના આખા રક્ષકદળમાં અને અહીંના બીજા સૌ લોકોમાં જાહેર થઈ ગઈ છે.

14 હું જેલમાં છું તેથી પ્રભુમાંના ઘણા ભાઈઓ વિશ્વાસ રાખીને પ્રભુના સંદેશ વિષે નિર્ભયતાથી બોલવા વિશેષ હિંમતવાન થયા છે.

15 અલબત્ત, કેટલાક ઈર્ષા અને ચડસાચડસીથી ખ્રિસ્તનો પ્રચાર કરે છે, પણ કેટલાક સદ્ભાવનાથી પ્રેરાઈને કરે છે.

16 જેઓ પ્રેમથી પ્રેરાઈને એ ક્મ કરે છે તેઓ જાણે છે કે હું શુભસંદેશના સમર્થન માટે નિમાયેલો છું.

17 પણ બીજા તો નિખાલસ ભાવે નહિ, પણ જેલમાં હું વધુ દુ:ખી થાઉં તે માટે પ્રચાર કરે છે.

18 પણ તેથી શું થયું? ચાહે તો ખરાબ હેતુથી કે સારા હેતુથી પણ શકાય તે સર્વ રીતે ખ્રિસ્તનો પ્રચાર કરવામાં આવે છે તેથી હું ખુશ છું, અને વળી હરખાઈશ.

19 કારણ, હું જાણું છું કે, તમારી પ્રાર્થનાઓ દ્વારા અને ખ્રિસ્તના આત્માની મદદથી તે મારા છુટકારાને માટે ઉપયોગી થઈ પડશે.

20 મારે કદી શરમાવું ન પડે એવી આક્ંક્ષા તથા આશા છે, પણ સર્વ સમયે અને ખાસ કરી હમણાં, ચાહે હું જીવું કે મરું પણ મારા શરીર દ્વારા હું પૂરી હિંમતથી ખ્રિસ્તને મહિમાવાન કરીશ

21 મારે મન તો જીવવું એટલે ખ્રિસ્ત, અને મરવું તે વિશેષ લાભ છે.

22 પણ જો મારા જીવન દ્વારા હું વધુ ઉપયોગી ક્મ કરી શકું તેમ હોય તો પછી મારે શું પસંદ કરવું તે વિષે હું ચોક્કસ કહી શકું તેમ નથી.

23 આ બંનેની વચ્ચે હું મૂંઝવણમાં છું. આ જીવન ત્યજી દઈને ખ્રિસ્તની સાથે રહેવા હું ચાહું છું. કારણ, તે ઘણી રીતે ચઢિયાતું છે.

24 પણ હું જીવતો રહું એ તમારે માટે વધારે અગત્યનું છે.

25 મને આ વિષે ખાતરી હોવાથી હું જાણું છું કે હું જીવતો રહીશ અને તમારા વિશ્વાસની વૃદ્ધિ અને આનંદને માટે હું તમ સર્વની સાથે રહીશ.

26 જેથી તમારી પાસે હું ફરીથી આવીશ ત્યારે ખ્રિસ્ત ઈસુમાં મારા વિષે ગર્વ કરવાનું તમને પૂરતું કારણ મળી રહેશે.

27 હવે તમારું વર્તન ખ્રિસ્તના શુભસંદેશને અનુરૂપ રાખો. જેથી હું તમારી મુલાકાત લઉં કે પછી તમારાથી દૂર હોઉં, તો પણ તમારા વિષે મને સમાચાર મળે કે તમે સૌ એક યેયમાં સ્થિર રહીને એક મનથી શુભસંદેશના વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો,

28 અને વિરોધ કરનારાઓની જરાપણ બીક રાખતા નથી. તેમનો તો નાશ થશે પણ તમારો ઉદ્ધાર થશે એની ઈશ્વર તરફથી આ સ્પષ્ટ નિશાની છે.

29 માત્ર ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એટલું જ નહિ, પણ તેમને માટે દુ:ખ સહન કરવું એ માટે તમને આ કૃપા આપવામાં આવી છે.

30 ભૂતકાળમાં હું જે યુદ્ધ લડી રહ્યો હતો અને હાલ લડી રહ્યો છું એવું તમે સાંભળો છો, તે જ યુદ્ધમાં હવે તમે પણ મારી સાથે સામેલ છો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Follow us:



Advertisements