2 થેસ્સલોનિકીઓ 1 - પવિત્ર બાઇબલ C.L.1 થેસ્સાલોનિક્માંની મંડળીના સૌ લોકને લખનાર ઈશ્વરપિતામાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાઉલ, સિલ્વાનસ અને તિમોથી. 2 ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમને કૃપા અને શાંતિ બક્ષો. ખ્રિસ્તના આગમનની આશા 3 ભાઈઓ, તમારે માટે અમારે સર્વ સમયે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. એમ કરવું અમારે માટે યોગ્ય છે, કારણ, તમારો વિશ્વાસ ઘણો વૃદ્ધિ પામતો જાય છે અને બીજાઓ પ્રત્યેનો તમારો પ્રેમ વધતો જાય છે. 4 સર્વ સતાવણીઓ અને દુ:ખોમાંથી પસાર થઈ ચૂકયા હોવા છતાં તમે તે સહન કરો છો અને વિશ્વાસ રાખો છો, તેથી અમે ઈશ્વરની મંડળીઓમાં તમારે માટે ગર્વ લઈએ છીએ. 5 એ જ ઈશ્વરના સાચા ન્યાયની સાબિતી છે. કારણ, દુ:ખ સહન કરવાથી તમે ઈશ્વરના રાજને માટે યોગ્ય ગણાશો. 6 ઈશ્વર યથાયોગ્ય જ કરશે: જેઓ તમને દુ:ખ દે છે તેમના પર ઈશ્વર દુ:ખ લાવશે. 7 વળી, ઈશ્વર અમારી સાથે તમ સહન કરનારાઓને રાહત આપશે. પ્રભુ ઈસુ તેમના શક્તિશાળી દૂતોની સાથે ભભૂક્તી અગ્નિજ્વાળા સાથે સ્વર્ગમાંથી પ્રગટ થશે. 8 ત્યારે જેઓ ઈશ્વરને ઓળખતા નથી અને આપણા પ્રભુ ઈસુ સંબંધીના શુભસંદેશને આધીન થતા નથી તેમને ઈશ્વર પૂરેપૂરી શિક્ષા કરશે. 9 તેઓ પ્રભુની હાજરીમાંથી અને તેમના મહિમાવંત સામર્થ્યમાંથી અલગ રહેશે અને સાર્વકાલિક નાશની શિક્ષા ભોગવશે. 10 જયારે સર્વ લોકની પાસેથી મહિમા અને સર્વ વિશ્વાસીઓ પાસેથી માન મેળવવાને ઈસુ આવશે તે દિવસે આમ બનશે. અમે તમને જણાવેલા સંદેશા પર તમે વિશ્વાસ કર્યો હોવાથી તમે પણ તેમનામાં હશો. 11 એટલે જ અમે હંમેશાં તમારે માટે પ્રાર્થના કરીએ છીએ કે, ઈશ્વરે તમને જે જીવન જીવવાને માટે આમંત્રણ આપ્યું છે તે જીવવાને તમે યોગ્ય થાઓ. તે પોતાની શક્તિથી સારાં ક્મ કરવા માટે તમારી સર્વ ઇચ્છાઓ પૂરી કરો અને વિશ્વાસનું તમારું કાર્ય સંપૂર્ણ કરો. 12 આ રીતે આપણા ઈશ્વરની અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાને લીધે તમારાથી પ્રભુ ઈસુના નામને મહિમા મળશે અને તેમના તરફથી તમને મહિમા મળશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide